21 February, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેસ્ટર્ન રેલવે સંવેદનશીલ સ્થળોએ ૧૨૬ નવાં ડીવૉટરિંગ પમ્પિંગ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરશે
આગામી મૉન્સૂન પહેલાં વેસ્ટર્ન રેલવેએ ચર્ચગેટ-વિરાર લોકલ કૉરિડોર પર પાણી ભરાવાની અને સર્વિસને અસર કરે એવી સમસ્યાઓને પહોંચી વળવા માટે મોટા પાયે પગલાંની જાહેરાત કરી છે. રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રી-મૉન્સૂન પ્રેપરેશન પચીસમી મે સુધીમાં પૂરું કરી લેવામાં આવશે.
પૂર ખાળવાની વ્યૂહરચનાના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે સંવેદનશીલ સ્થળોએ ૧૨૬ નવાં ડીવૉટરિંગ પમ્પિંગ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં ૧૦ ટકા પમ્પ વધારે છે. કામગીરીની તૈયારી ચેક કરવા માટે ચોમાસાની શરૂઆતના ૩૦ દિવસ પહેલાં આ પમ્પોનું રોજ ઇન્સ્પેક્શન કરવામાં આવશે.
ટ્રૅકની જાળવણીમાં નોંધપાત્ર વધારો કરવા માટે રેલવે આ વર્ષે ગાર્બેજ ટ્રેનોની સંખ્યામાં ૮૦ ટકાથી વધુનો વધારો કરશે. ટ્રૅક અને ડ્રેનેજ ચૅનલોમાંથી કાંપ, કાટમાળ અને કચરો સાફ કરવા માટે ૬૦૦ ગાર્બેજ ટ્રેનો તહેનાત કરવામાં આવશે. ટ્રેનો મુખ્યત્વે નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત થશે જ્યાં ગયા વર્ષે ગંભીર પાણી ભરાયાં હતાં. એમાં માહિમ-દાદર સેક્શનનો સમાવેશ થાય છે. અધિકારીઓએ એ પણ પુષ્ટિ આપી હતી કે ટ્રૅક ડૂબી જવાનું જોખમ ઘટાડવા માટે પસંદ કરેલાં સ્થળોએ ટ્રૅકનું સ્તર વધારવામાં આવ્યું છે.
ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે ગોરેગામ-માહિમ, પ્રભાદેવી-માટુંગા અને બોરીવલી-વિરાર વિભાગો પર ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. આ અપગ્રેડનો હેતુ ભારે વરસાદ દરમ્યાન પાણીના નિકાલની ક્ષમતા વધારવાનો છે.
વરસાદના સ્તરને વધુ ચોકસાઈથી મૉનિટર કરવા માટે પાંચ ઑટોમેટિક રેઇન ગેજ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યાં છે. ૪ સંવેદનશીલ પુલો પર રિયલ-ટાઇમ વૉટર લેવલ ચેતવણી સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવશે, જે પાણીના સ્તરમાં વધારો થવાના કિસ્સામાં તાત્કાલિક ચેતવણીઓ આપી શકશે.
મૉન્સૂન સંબંધિત કામગીરીનું સંચાલન કરવા માટે વધારાના ૩૬ સ્ટાફ-સભ્યોને તહેનાત કરવામાં આવશે. રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પ્રી-મૉન્સૂન પ્રેપરેશન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમ કે ડ્રેઇન સફાઈ, વૃક્ષકાપણી, સંવેદનશીલ સ્થળો શોધી કાઢવા અને સંબંધિત એજન્સીઓ સાથે જૉઇન્ટ ઇન્સ્પેક્શન કરીને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસ હાથ ધરાયા છે.’