પૈસા કપાય અને ટિકિટ ન મળે તો રેલવેની ઑફિસનાં ચક્કર નહીં કાપવાં પડે

20 March, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેની SARAL સર્વિસમાં QR કોડ સ્કૅન કરીને ફરિયાદ બુક કરાવી શકાશે

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેએ અનસક્સેસફુલ ડિજિટલ પેમેન્ટના રીફન્ડની કાર્યવાહી ઝડપી બનાવવા માટે ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ આધારિત સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

મુંબઈમાં વેસ્ટર્ન રેલવેના હેડક્વૉર્ટર ખાતે આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મૅનેજર તરુણ જૈને સ્માર્ટ અસિસ્ટન્ટ ઍન્ડ રીફન્ડ ઍક્સેસ લિન્ક (SARAL) સર્વિસ અંગે જાહેરાત કરી હતી. QR કોડનો ઉપયોગ કરીને ગમે ત્યાંથી અનસક્સેસફુલ ડિજિટલ પેમેન્ટ માટે રીફન્ડની રિક્વેસ્ટ કરી શકાશે.

આ સેવા મુંબઈ ડિવિઝનમાં પાઇલટ ધોરણે શરૂ કરવામાં આવી છે. ટિકિટ-બુકિંગ વખતે ટ્રાન્ઝૅક્શનમાં રકમ ડેબિટ થાય છે, પણ ટિકિટ મળતી નથી. ત્યારે બેન્ક સામાન્ય રીતે ત્રણથી ૭ વર્કિંગ દિવસોમાં ડેબિટ થયેલી રકમ રીફન્ડ કરે છે. એમાં મોડું થાય તો મુસાફરોએ રેલવેની ટિકિટબારી પર જઈને ઇન્ક્વાયરી કરવી પડે છે. જોકે SARAL સુવિધા હવે મુસાફરોને ગમે ત્યાંથી રીફન્ડ મેળવવા માટેની સુવિધા આપશે. 

SARAL QR કોડ સ્કૅન કરીને મુસાફરોએ એક ફૉર્મ ભરવાનું રહેશે અને અનસક્સેસફુલ ટ્રાન્ઝૅક્શનની વિગતો અપલોડ કરવાની રહેશે. આ વિગતો તાત્કાલિક સેન્ટર ફૉર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ને મોકલવામાં આવશે, જે માહિતીની ચકાસણી કરશે અને રીફન્ડની પ્રક્રિયા હાથ ધરશે. રીફન્ડ ટ્રૅક કરવા માટે એક લિન્ક પણ આપવામાં આવશે.

mumbai news mumbai western railway mumbai local train mumbai transport indian railways