વેસ્ટર્ન રેલવેએ વિરાર પછીનાં સ્ટેશનો માટે પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું શરૂ કર્યું

30 July, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિસ્થિતિને જોઈને ચર્ચગેટથી વિરાર સ્ટેશનની પ્લૅટફૉર્મ ટિકિટ વિશે નિર્ણય લેવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનું સંક્રમણ ઓછું કરવા રેલવેમાં સામાન્ય લોકોના પ્રવાસ પર પ્રતિબંધ મુકાયો છે. એમ છતાં લોકો સ્ટેશન અને પ્લૅટફૉર્મ પર આવતા જોવા મળે છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું બંધ કર્યું હતું અને એ હવે ફરી શરૂ કરી દીધું છે. જોકે ભાવમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવેએ વિરાર સ્ટેશનની આગળનાં સ્ટેશનો પર જ પ્લૅટફૉર્મ ટિકિટની સુવિધા શરૂ કરી છે. પછી પરિસ્થિતિને જોઈને ચર્ચગેટથી વિરાર સ્ટેશનની પ્લૅટફૉર્મ ટિકિટ વિશે નિર્ણય લેવામાં આવશે.

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાને લીધે પ્લૅટફૉર્મ ટિકિટની સુવિધા બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાને ધ્યાનમાં રાખીને સ્ટેશનો અને ફૂટઓવર બ્રિજ પર પ્રવાસીઓની સંખ્યા અને ભીડ ઓછી કરવા માટે ડાયનૅમિક નિર્ણય લેવાયો છે. એ અનુસાર વિરારની આગળનાં સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ૧૦ રૂપિયા, સુરત સ્ટેશન પર વધુ અવરજવર હોવાથી ત્યાં ૩૦ રૂપિયા તથા વાપી, વલસાડ, બિલિમોરા, નવસારી, ઉધના સ્ટેશનો પર ૨૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. ચર્ચગેટથી વિરારની પ્લૅટફૉર્મ ટિકિટની સુવિધા વિશે સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે.’

mumbai mumbai news western railway