28 December, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેસ્ટર્ન રેલવે બે તબક્કામાં ૨૭૩ નવાં ATVM મશીનો મૂકશે
ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) દ્વારા કાઢવામાં આવતી ટિકિટો પર ઝાંખી થઈ જાય એવી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાબતે મુસાફરો તરફથી વારંવાર થતી ફરિયાદોને પગલે વેસ્ટર્ન રેલવેએ થર્મલ પ્રિન્ટરથી સજ્જ નવાં મશીનો ખરીદવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન રેલવે બે તબક્કામાં ૨૭૩ નવાં ATVM મશીનો મૂકશે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધીમાં મશીનના ઑર્ડર આપવામાં આવે એવી શક્યતા છે.
વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા ૧૪૭ ATVM ખરીદવા માટે ટેન્ડરVપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યારે કાર્યરત ATVMમાં ઉપયોગમાં લેવાતાં પ્રિન્ટરોને વારંવાર જાળવણીની જરૂર પડે છે અને પરસેવો કે પાણી લાગતાં ટિકિટની ઇન્ક ભૂંસાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે થર્મલ પ્રિન્ટરો લાવવામાં આવશે. ટિકિટ-કાઉન્ટર પર ઉપયોગમાં લેવાતાં થર્મલ-પ્રિન્ટરો જેવી જ ટેક્નિક ATVMમાં લાગુ કરવામાં આવશે.