૧૦૦ ટકા બ્લાઇન્ડ હોવા છતાં ૧૦૦ ટકા આત્મનિર્ભર એટલે જ રિઝલ્ટ જોરદાર ૯૩.૪૦ ટકા

14 May, 2025 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલના પ્રિન્સિપાલે અને ટીચર્સે સ્વયંને ભણવામાં ખૂબ મદદ કરી. સ્કૂલમાં જે ભણાવે એ સ્વયં બ્રેઇલ લિપિમાં લખતો

સ્વયં દેઢિયા

જન્મથી જ જોઈ ન શકતો સ્વયં દેઢિયા રેગ્યુલર સ્કૂલમાં રેગ્યુલર સબ્જેક્ટ‍્સ લઈને ભણ્યો છે ઃ જોઈ ન શકતાં બાળકો મોટા ભાગે બ્રેઇલ લિપિમાં પેપર લખે છે, સ્વયંએ કમ્પ્યુટર પર એક્ઝામ આપી ઃ જાતે સ્કૂલબસમાં બેસવાથી માંડીને ક્લાસ સુધી પહોંચવામાં પણ કોઈની મદદ ન લેતો સ્વયં પાંચ વર્ષના નાના ભાઈનું પણ ધ્યાન રાખે છે

જન્મથી જ સંપૂર્ણ બ્લાઇન્ડ સ્વયં દેઢિયાએ પોતાના નામને સાર્થક કરે એવું કામ કરી બતાવ્યું છે. રેગ્યુલર સ્કૂલમાં ભણીને, રેગ્યુલર સબ્જેક્ટ્સ પસંદ કરીને, બ્રેઇલ લિપિ નહીં પણ કમ્પ્યુટર પર એક્ઝામ આપીને, કોઈના પર ડિપેન્ડન્ટ ન રહેતાં પોતાનાં બધાં જ કામ જાતે કરીને સ્વયંસિદ્ધ એવા સ્વયંએ SSCમાં બેસ્ટ ઑફ ફાઇવ મુજબ ૯૩.૪૦ ટકા મેળવ્યા છે.

વિરારમાં રહેતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થી સ્વયંનો જન્મ પ્રી-મૅચ્યોર બેબી તરીકે સાડાછ મહિને જ થઈ ગયો હતો. એને કારણે તેને ૬૯ દિવસ ઇન્ક્યુબેટરમાં રાખવો પડ્યો હતો. આ પ્રક્રિયામાં બાળકનો વિકાસ થાય એ માટે ઑક્સિજન અને લેસર લાઇટથી હીટ પૂરી પાડવામાં આવે છે. બાળકને જિવાડવા માટે તેના હાર્ટને ચાલુ રાખવાની પ્રાયોરિટી હોય છે. જોકે વધુપડતી લેસર લાઇટને કારણે આંખોને નુકસાન થાય છે. એ જ ભૂલ સ્વયંના કેસમાં પણ થઈ અને સ્વયંની આંખના રેટિના ડિટૅચ થતાં તે ૧૦૦ ટકા બ્લાઇન્ડ થઈ ગયો. જોકે તેનાં મમ્મી-પપ્પા અને સ્વયંસેવી સંસ્થાઓની તાલીમથી આજે સ્વયં એકદમ નૉર્મલ લાઇફ જીવી રહ્યો છે.

જોઈ ન શકતાં બાળકો મોટા ભાગે બ્રેઇલ લિપિમાં પરીક્ષાનું પેપર લખે છે, કમ્પ્યુટર પર એક્ઝામ આપનારા સ્ટુડન્ટ્સ બહુ ઓછા હોય છે તેમ જ તેમને ઇંગ્લિશ અને મૅથ્સ જેવા વિષયો લોઅર લેવલમાં જ ભણવાની છૂટ મળે છે. જોકે સ્વયંએ બીજાં બાળકોની જેમ હાયર લેવલના વિષયો જ પસંદ કર્યા અને કમ્પ્યુટર પર પરીક્ષા આપીને ખૂબ સારું રિઝલ્ટ પણ મેળવ્યું.
સ્વયંના પપ્પા રાહુલ દેઢિયાની ઇમિટેશન જ્વેલરીની રીટેલ દુકાન છે અને અને મમ્મી મીનલ દેઢિયાની લેડીઝ અન્ડર-ગાર્મેન્ટ‍્સની દુકાન છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું, ‘સ્વયંને મોટા ભાગની સ્કૂલોએ ઍડ્મિશન આપવાની ના પાડી દીધી હતી, પરંતુ પહેલા ધોરણથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં તેને નૉર્મલ બાળકો સાથે ભણવાની તક મળી હતી.’

સ્કૂલના પ્રિન્સિપાલે અને ટીચર્સે સ્વયંને ભણવામાં ખૂબ મદદ કરી. સ્કૂલમાં જે ભણાવે એ સ્વયં બ્રેઇલ લિપિમાં લખતો. તેની મમ્મી બ્રેઇલ લિપિ શીખી હતી એટલે એક્ઝામમાં સ્વયં બ્રેઇલ લિપિમાં જવાબ લખતો એની નીચે તેની મમ્મી તેણે જે લખ્યું હોય એ લખીને ટીચરને બતાવતી. એ મુજબ ટીચર પેપર ચેક કરતા હતા. નૅશનલ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ (NBA)ના ટીચર્સ પણ વીકમાં એક વાર તેને ભણવામાં મદદ કરતા હતા. કોરોનામાં સ્વયં કમ્પ્યુટર શીખ્યો હતો. ત્યારથી તે દરેક બુક પીડીએફ ફૉર્મેટમાં તેના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને રીડિંગ સૉફ્ટવેરમાં રીડ થાય એ સાંભળીને શીખતો હતો. ધીરે-ધીરે તે બ્રે​ઇલ લિપિને બદલે કમ્પ્યુટર પર જ લખવા માંડ્યો હતો. એમાં સૉફ્ટવેરની મદદથી તે જે લખતો હોય એ સાથે-સાથે સાંભળી શકે અને ભૂલ સુધારી પણ શકે. સ્કૂલ અને બોર્ડે પરમિશન આપતાં તેણે કમ્પ્યુટર પર એક્ઝામ આપી હતી. એમાં એક રીડર તેને પ્રશ્નપત્ર વાંચી આપતો અને જવાબ સ્વયં જાતે લખતો હતો.
હાયર લેવલ મૅથ્સ લેવાને કારણે જ્યૉમેટ્રીની રચનાઓ દોરવામાં સ્વયંને મુશ્કેલી પડી અને પેપર બાકી રહી ગયું એટલે નિરાશ ન થતાં સ્વયંએ બાકીના વિષયોમાં વધુ મહેનત કરીને ઓવરઑલ સારો સ્કોર મેળવ્યો.

અબાકસમાં સ્વયં નૅશનલ લેવલ પર વિનર બન્યો હતો. સ્વયં અત્યારે કોડિંગ અને લૅન્ગ્વેજ શીખી રહ્યો છે અને તેનો ગોલ સૉફ્ટવેર એન્જિનિયર બનવાનો છે.  સ્વયંનાં મમ્મી-પપ્પા વર્કિંગ પેરન્ટ્સ છે એથી તેઓ આખો દિવસ ઘરે નથી હોતાં ત્યારે સ્વયં પોતાનું અને નાના ભાઈનું ધ્યાન પણ રાખે છે. જાતે સ્કૂલબસમાં બેસવા અને ક્લાસ સુધી પહોંચવામાં પણ કોઈની મદદ લેતો નથી. ઘરે પણ પાંચ વર્ષ નાના ભાઈ શ્વેતની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. સ્વયંએ પાલિતાણામાં ૯૯ યાત્રા પણ પૂરી કરી છે.

સ્વયંની માર્કશીટ 
ઇંગ્લિશ     ૮૯ 
મરાઠી     ૯૫ 
હિન્દી     ૯૫ 
મૅથેમૅટિક્સ     ૬૬ 
સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી     ૯૭ 
સોશ્યલ સાયન્સિસ     ૯૧ 

સ્વયં જેવાં બાળકો ખૂબ સ્માર્ટ હોય છે અને તેમની સિક્સ્થ સેન્સ પણ ખૂબ સારી હોય છે. તેમને વધુ ને વધુ મદદ મળવી જોઈએ. બિનસરકારી સંસ્થાઓ પાસે ફન્ડ અને ટીચર્સની કમી હોય છે. સરકાર જો મદદ વધારે તો આવાં બાળકોને મજબૂરીમાં ગમે એ કામ કરવું ન પડે અને તેઓ સારી કરીઅર બનાવીને નૉર્મલ લાઇફ જીવી શકે.- સ્વયંનાં મમ્મી-પપ્પા

mumbai news mumbai virar Education 10th result