આજે મહારાષ્ટ્રની પાંચ બેઠક પર મતદાનની ટકાવારી કેટલી રહેશે?

19 April, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગડચિરોલી-ચિમુર અને ચંદ્રપુરમાં ૨૦૧૪માં સરેરાશ ૬૫.૦૮ અને ૨૦૧૯માં ૬૪.૦૬ ટકા મતદાન થયું હતું

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ભાગલા થયા પછી આખું સમીકરણ બદલાઈ ગયું છે. પહેલાં રાજ્યમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ, શિવસેના, NCP એમ ચાર રાજકીય પક્ષો હતા. હવે એમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) એમ બે નવા પક્ષો ઉમેરાયા છે. આજે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મુખ્ય મુકાબલો મહાયુતિ (BJP, એકનાથ શિંદે જૂથની શિવસેના, અજિત પવાર જૂથની NCP) અને મહા વિકાસ આઘાડી (કૉન્ગ્રેસ, NCP (શરદચંદ્ર પવાર) અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના) વચ્ચે છે. મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં આજે રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગડચિરોલી-ચિમુર અને ચંદ્રપુર બેઠક પર મતદાન થઈ રહ્યું છે.

પાંચેય બેઠકમાં ૨૦૧૪માં સરેરાશ ૬૫.૦૮ અને ૨૦૧૯માં ૬૪.૦૬ ટકા મતદાન થયું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં એક ટકા ઓછા મતદારોએ ચૂંટણીમાં રસ દાખવ્યો હતો. આ વખતે બધા પક્ષોની સાથે મહારાષ્ટ્રના ચૂંટણી કમિશન દ્વારા વધુ મતદાન થાય એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે મતદારો કેટલો રસ બતાવે છે એ આજે થનારા મતદાન બાદ જ જાણી શકાશે.

છેલ્લી બે ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન થયું હતું?

બેઠક ૨૦૧૪ ૨૦૧૯
રામટેક ૬૨.૬૪ ટકા ૬૨.૦૩ ટકા
નાગપુર ૫૭.૧૨ ટકા ૫૪.૯૪ ટકા
ભંડારા-ગોંદિયા ૭૨.૩૧ ટકા ૬૮.૮૧ ટકા
ગડચિરોલી-ચિમુર ૭૦.૦૪ ટકા ૭૨.૩૩ ટકા
ચંદ્રપુર ૬૩.૨૯ ટકા ૬૪.૮૯ ટકા

મુખ્ય મુકાબલો

રામટેક: શિવસેનાના રાજુ પારવે સામે કૉન્ગ્રેસના શ્યામકુમાર બર્વે
નાગપુર: BJPના નીતિન ગડકરી સામે કૉન્ગ્રેસના વિકાસ ઠાકરે
ભંડારા-ગોંદિયા: BJPના સુનીલ મેંઢે સામે કૉન્ગ્રેસના પ્રશાંત પડોલે
ગડચિરોલી-ચિમુર: BJPના અશોક નેતે સામે કૉન્ગ્રેસના ડૉ. નામેદવ કિરસાન
ચંદ્રપુર: BJPના સુધીર મુનગંટીવાર સામે કૉન્ગ્રેસના પ્રતિભા ધાનોરકર

97 - મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાની પાંચ બેઠક પર વિવિધ રાજકીય પક્ષોના આટલા ઉમેદવાર મેદાનમાં છે

95,54,667 - મહારાષ્ટ્રની પાંચ બેઠકોનું ભાવિ આટલા મતદારો આજે નક્કી કરશે

gadchiroli nagpur Lok Sabha Election 2024 maharashtra maharashtra news