મુંબઈ મેટ્રો 3 માટે વૉટ્સઍપ આધારિત ટિકિટ-સિસ્ટમ શરૂ

14 October, 2025 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉટ્સઍપ પર HI મોકલી, પેમેન્ટ કરીને QR આધારિત ટિકિટ મળી શકશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ આરેથી કફ પરેડ વચ્ચે ચાલતી મેટ્રો 3 ઍક્વાલાઇનના મુસાફરો માટે વૉટ્સઍપ આધારિત ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરી છે. મુસાફરોએ ફક્ત ૯૮૭૩૦ ૧૬૮૩૬ નંબર પર HI મેસેજ મોકલવાનો રહેશે અથવા સ્ટેશનો પર ઉપલબ્ધ QR (ક્વિક રિસ્પૉન્સ) કોડ સ્કૅન કરીને પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ થયા પછી તરત જ QR આધારિત વૉટ્સઍપ ટિકિટ જનરેટ થઈ જશે. એક ટ્રાન્ઝૅક્શનમાં વધુમાં વધુ ૬ QR ટિકિટ જનરેટ થશે. 

વૉટ્સઍપ દ્વારા ટિકિટ કાઢવા માટે મલ્ટિપલ પેમેન્ટ ઑપ્શન્સ મળશે. પેપરલેસ ટિકિટ હોવાથી સસ્ટેનેબલ ઑપ્શન તરીકે પણ વૉટ્સઍપ ટિકિટનો ઑપ્શન સ્વીકારવામાં આવ્યો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આધારિત પેમેન્ટ પર કોઈ ઍડિશનલ ચાર્જ લાગશે નહીં, જ્યારે કાર્ડ પેમેન્ટ પર મિનિમમ ચાર્જ લાગુ થશે એમ MMRCના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું.
આ સેવા પેલોકલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને એને કોઈ અલગ ઍપ્લિકેશનની જરૂર નથી. ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના મેટ્રોપૉલિટન ક્ષેત્રમાં મેટ્રો, પબ્લિક બસો, લોકલ ટ્રેન માટે મુંબઈ વન મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ કરી હતી. એમાં પણ મેટ્રો 3ની ટિકિટ કાઢવાનો વિકલ્પ છે.

મહા મુંબઈ મેટ્રો ઑપરેશન્સ કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ મુંબઈ મેટ્રો 2A અને 7 રૂટ માટે આ વૉટ્સઍપ ટિકિટિંગ સેવા પહેલેથી જ લાગુ કરી દીધી છે.

mumbai news mumbai mumbai metro whatsapp tech news