HBD Kapil Dev: ક્રિકેટ લેજન્ડ કપિલ દેવે આજથી ૩૯ વર્ષ પહેલાં જ્યારે ૯ વર્ષના છોકરાને આ પત્ર મોકલ્યો

06 January, 2022 05:20 PM IST  |  Mumbai | Chirantana Bhatt

પેપ્સિકો જીબીએસના વાઇસ પ્રેસિડન્ટ પ્રિયરંજન ઝાએ પોતાના લિંક્ડ ઇન એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી જેમાં કપિલ દેવ સાથેની યાદગીરી શૅર કરી છે. તે 9 વર્ષના હતા જ્યારે કપિલ દેવે તેમના પત્રનો જવાબ આપ્યો હતો જે આજે પણ તે પત્ર તેમને માટે જિંદગીના બોધ સમો છે

તસવીર સૌજન્ય - પ્રિયરંજન ઝા લિંક્ડઇન એકાઉન્ટ

આજે ક્રિકેટિંગ લેજન્ડ કપિલ દેવ (Kapil Dev )નો જન્મ દિવસ છે. હાલમાં જ ૮૩ ફિલ્મને (83 Movie) કારણે ૧૯૮૩ના એ ઐતિહાસિક વિશ્વકપના સંસ્મરણો આપણને ફરી જીવવા મળ્યા. રણવીર સિંહે (Ranveer Singh) કપિલ દેવના પાત્રમાં જીવ રેડી દીધો છે તો ૧૯૮૩માં જ્યારે એ મેચ ખેલાઇ અને ભારતીય ટીમ વિશ્વકપ જીતી ત્યારે કપિલ દેવ ક્રિકેટના મેદાનમાં ‘રણવીર’ બન્યા હતા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

કપિલ દેવ સાથે લોકોની કંઇ કેટલીય યાદો પોતાની આગવી રીતે જોડાયેલી હોય તેમ બને અને તેની જેટલી વાત થાય એટલું ઓછું છે. તાજેતરમાં જ પેપ્સિકો જીબીએસ (Pespsi Co GBS) એટલે કે ગ્લોબલ ડિલીવરી હબ્ઝનાં વાઇસ પ્રેસિડન્ટ પ્રિયરંજન ઝાએ (Priyaranjan Jha)પોતાના લિંક્ડ ઇન એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી જેમાં કપિલ દેવ સાથેની તેમની એક બહુ ‘હાર્ટ વોર્મિંગ’ યાદગીરી શૅર કરી છે. કપિલ દેવે તેમને લખલો પત્ર આજે પણ તેમને માટે લીડરશીપ અને મોટિવેશનની મિસાલ છે.

આજથી ૩૯ વર્ષ પહેલાં ૯ વર્ષના એક છોકરાએ પોતે જેને હીરો માનતો હતો તેવા એક લેજન્ડને પત્ર લખ્યો.  ૧૯૮૩ના વર્ષની એ વાત છે જ્યારે આ ખેલાડીએ લેજન્ડ બનવા તરફની પોતાની સફર શરૂ કરી હતી અને ઓલ રાઉન્ડર સાબિત થયો હતો. આ વાતમાં પ્રિયરંજન ઝા નવ વર્ષનો છોકરો છે અને લેજન્ડ છે કપિલ દેવ. જાણીએ તેમણે પોતાની પોસ્ટમાં શું કહ્યું છે.

૩૯ વર્ષ પહેલાં ૯ વર્ષનાં એક છોકરાએ પોતાના હીરોને પત્ર લખ્યો. આ હીરોનું વર્ષ ધમાકેદાર રહ્યું હતું અને સૌથી મહાન ઓલ રાઉન્ડર તરીકે તેની જય જયકાર થઇ રહી હતી. તેને એક પછી એક એમ ૨ મેન ઑફ ધી સિરીઝના એવોર્ડ્ઝ મળ્યા હતા અને તે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બનવાના હતા.  નાન કડા છોકરાએ આ હીરોને તેના એક રંગીન ફોટોગ્રાફ અને ઑટોગ્રાફ માટે માંગણી કરી. આજે ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને રંગીન ફોટોઝની દુનિયામાં કદાચ આ બહુ મોટી વાત નહીં હોય પણ એ દિવસોમાં તો આ બહુ મોટી વાત ગણાતી. છોકરાની બોર્ડિંગ સ્કૂલમાં બધાએ તેની મજાક પણ ઉડાવી, દિવસો અને અઠવાડિયાઓ પસાર થતા ગયા અને આ મશ્કરીઓ વધતી ગઇ. પણ આ છોકરાને વિશ્વાસ હતો કે તેનો હીરો તેને જવાબ આપશે જ. આખરે એક દિવસે જ્યારે તેણે આશા સાવ મુકી દીધી હતી ત્યારે તેને આ પત્ર મળ્યો.

પ્રિયરંજન ઝા લખે છે કે, એ છોકરો હું હતો અને એ હીરો હતા કપિલ દેવ. તેમણે પોતાની પોસ્ટમાં પોતે આ અનુભવમાંથી શું શીખ્યા તે પણ લખ્યું છે. તે કહે છે લાઇફ લેસન નંબર એક એ હતો કે હંમેશા મોટા સપના જુઓ, અણધારી ચીજો ટ્રાય કરો અને ક્યારેય પણ નિરાશ થઇ કશું પડતું ન મુકો. તે આગળ પોસ્ટમાં લખે છે કે જો પત્ર વાંચો તો તમને એ મહાન વ્યક્તિની નમ્રતાનો પરિચય મળશે, આ નાનકડા છોકરા પ્રત્યે તેમણે જે સહાનુભૂતિ દાખવી તેનો પણ ખ્યાલ આવશે. કપિલ દેવ પાસેથી કેટલું બધું શીખવાનું છે જેમ કે લાઇફ લેસન નંબર બે એ હતો કે હંમેશા નમ્ર રહો અને જે તેમને પ્રેમ કરે છે તેમના પ્રત્યે સારો વહેવાર રાખો, ભલે અજાણ્યા કેમ ન હોય.

તેમણે લખ્યું છે કે પોતે આ પત્રથી હંમેશા પ્રેરણા મેળવી છે અને ચાર દાયકાથી તેમણે આ પત્ર પોતાની પાસે સચાવીને રાખ્યો છે, અવારનવાર તે વાંચી લઇને જિંદગીની ત્રીજા લેસનને યાદ કરી લે છે કે તમારામાં કોઇને પણ પ્રેરણા આપવાની ભરપુર શક્તિ હોય છે, તમે નથી જાણતા કે તમને જોઇને કોણ શીખી રહ્યું છે.

 ૮૩ ફિલ્મ પહેલા દિવસે, પહેલા શોમાં જોનારા પ્રિયરંજન ઝા માટે એ બહુ અદ્ભૂત અનુભવ રહ્યો, પ્રેરણાત્મક ફિલ્મ રહી અને હવે તેમનો ૧૧ વર્ષનો દીકરો પણ કપિલનો ફેન છે. તે લખે છે કે સફળતા કાયમી નથી હોતી પણ ક્લાસ – ગુણવત્તા કાયમી હોય છે. આ ફિલ્મની વાત કરતા તેઓ આગળ ટાંકે છે કે આ ફિલ્મ આપણને શીખવે છે કે મહાન ચીજો મહાન વ્યક્તિઓથી નહીં પણ મહાન ટીમવર્કથી જ સિદ્ધ થઇ શકે છે.

 

કપિલ દેવે તેમને મોકલેલા પત્રની ઇમેજ તેમણે પોસ્ટમાં સાથે મૂકી છે. હિંદીમા લખાયેલો આ પત્ર કપિલ દેવના લેટર હેડ પર છે અને તેમણે નાનકડા બાળકને પણ બહુ સન્માનીય રીતે સંબોધન કર્યું છે જે તમે આ પોસ્ટમાં જોઇ શકો છો. પ્રિય પ્રિયરંજનની, તમારો પ્રેમ ભર્યો પત્ર મળ્યો, વાંચીને ખુશી થઇ, તમે આપેલી શુભેચ્છાઓ બદલ આભાર. હાલમાં મારી પાસે આ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો જ છે – કોઇ રંગીન ફોટો નથી  પડ્યો. આશા છે કે તમને બહુ ખોટું નહીં લાગે.મારી પ્રાર્થના છે કે હું તમને મારા ખેલથી આ રીતે ખુશ કરતો રહું અને તમારો પ્રેમ કાયમ રહે, આપનો કપિલ દેવ.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ વાઇરલ પોસ્ટ અંગે પ્રિયરંજન ઝા સાથે ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાના આ સંસ્મરણને વાચકો સાથે વહેંચવા સંમતિ આપી હતી.

 

 

 

kapil dev 83 movie ranveer singh kabir khan indian cricket team world cup