31 October, 2025 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દહિસર ટોલનાકા
દહિસર ટોલનાકા પર થતા ટ્રાફિક જૅમની સમસ્યાના ઉકેલ માટે ટોલનાકાની જગ્યા બદલવાનો નિર્ણય તો લેવાઈ ગયો છે, પરંતુ ટોલનાકાને ખસેડીને ક્યાં લઈ જવું એ અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.
ટોલપ્લાઝાનું સંચાલન કરતા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) અને નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) આ પ્રોજેક્ટમાં વિલંબ થવા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. એકનાથ શિંદેની શિવસેનાના પ્રભુત્વવાળા MSRDCએ દહિસર ચેકપૉઇન્ટને ભાઈંદર ક્રીક પાસે ખસેડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે પાલઘરના પાલક પ્રધાન ગણેશ નાઈક અને અન્ય સ્થાનિક નેતાઓના ભારે વિરોધને કારણે આ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. ત્યાર બાદ MSRDCને ટોલનાકા ખસેડવા માટે નવું લોકેશન મળ્યું નથી.
MSRDCએ NHAIને નવું લોકેશન સૂચવવા વિનંતી કરી છે. એના જવાબમાં NHAIના અધિકારીએ કહે છે કે ‘ટોલપ્લાઝાને ખસેડવાનો વિચાર MSRDCનો છે તો અમે લોકેશન કેવી રીતે સૂચવી શકીએ? જો MSRDC કોઈ પ્રસ્તાવ મૂકે તો જ અમે નક્કી કરી શકીએ છીએ કે એ યોગ્ય છે કે નહીં.’
વિરાર નજીક પહેલેથી જ એક ટોલપ્લાઝા હોવાથી બે ટોલપ્લાઝા વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ એ વાત પર વિચાર કરીને નવું લોકેશન શોધવામાં આવશે.