મુંબઈ: પૂનમ મહાજનનું પત્તું કાપીને BJP ઉમેદવાર બનનાર કોણ છે ઉજ્જવલ નિકમ?

27 April, 2024 10:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકસભા ચૂંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોનું 15 લિસ્ટ જાહેર કરી દીધું છે. બીજેપીએ પૂનમ મહાજનનું પત્તું કાપીને આતંકવાદી કસાબને ફાંસી અપાવનારા વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર મધ્યથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ઉજ્જવલ નિકમ

લોકસભા ચૂંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોનું 15 લિસ્ટ જાહેર કરી દીધું છે. બીજેપીએ પૂનમ મહાજનનું પત્તું કાપીને આતંકવાદી કસાબને ફાંસી અપાવનારા વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર મધ્યથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જણાવવાનું કે ઉજ્જવલ નિકમ દેશના સૌથી જાણીતા સરકારી વકીલોમાંના એક છે, તે આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને, 1993ના બૉમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઇ પ્રોફાઈલ કેસમાં સરકારી પક્ષની વકાલત કરી ચૂક્યા છે.

દેશનું બંધારણ મારી પ્રાથમિકતા છેઃ ઉજ્જવલ નિકમ
ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ ઉજ્જવલ નિકમે કહ્યું કે વર્ષો સુધી હું ગંભીર ગુનેગારો સામે લડ્યો છું. આજે મને એક અલગ જવાબદારી સોંપવામાં આવી છે. મારી પ્રાથમિકતા દેશનું બંધારણ અને કાયદા હશે. હું જોઈશ કે સંસદમાં યોગ્ય પ્રશ્નો અને વિષયો ઉઠાવવામાં આવે. તેમણે કહ્યું કે કાયદો કહે છે કે 100 ગુનેગારોને છોડી શકાય છે, પરંતુ એક નિર્દોષને સજા ન આપી શકાય. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ, બાવનકુળે અને આશિષ શેલારનો આભારી છું.

`PM મોદીએ વૈશ્વિક મંચ પર દેશની છબી બદલી નાખી`
Lok Sabha Election 2024: ઉજ્જવલ નિકમે કહ્યું કે આ મારા પર મોટી જવાબદારી છે. મને રાજકારણનો કોઈ અનુભવ નથી. જ્યારે મેં કાયદાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું ત્યારે મેં આવા કેસો પર કામ કર્યું. રાજનીતિ મારી વિશેષતા નથી, પણ મેં ઘણો અભ્યાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર દેશની છબી બદલી નાખી છે. આપણા દેશની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને તેથી મેં ચૂંટણી લડીને અને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે હું ક્યારેય કોઈને ઓછો આંકતો નથી. આજે કટોકટી છે. હું ગણપતિ બાપ્પાના આશીર્વાદ લઉં છું. હું કોઈનો અનાદર નહીં કરું. આજે મારી ઉમેદવારી વિશે ખબર પડી. દેવેન્દ્ર ફડણવીસ અને આશિષ શેલાર વધુ અનુભવી છે, તેઓ ચૂંટણી પ્રચારની રેખા દોરશે. મારો જન્મ હનુમાન જયંતિના દિવસે થયો હતો. હું કોઈની સાથે ખોટું નહીં કરું.

કોણ છે પૂનમ મહાજન?
પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન 2006માં ભાજપમાં જોડાઈ હતી. 2009માં, તેણે ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2014માં તેમણે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઑફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી પૂર્ણ કરી.

મુંબઈ ઉત્તર મધ્ય બેઠકનો ઇતિહાસ
મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર કોઈ પક્ષનું વર્ચસ્વ નથી. અહીંથી ક્યારેક ભાજપ જીતી તો ક્યારેક કોંગ્રેસ જીતી. શિવસેના અને આરપીઆઈના ઉમેદવારો પણ અહીંથી જીતવામાં સફળ રહ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં પૂનમ મહાજન આ બેઠક પરથી જીત્યાં હતાં. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયા દત્તને હરાવ્યાં હતાં. એક તરફ પૂનમ મહાજનને 4,86,672 વોટ મળ્યાં, જ્યારે પ્રિયા દત્તને 3,56,667 વોટ મળ્યાં.

2014માં મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પર બીજેપીની પૂનમ મહાજને જીત મેળવી હતી, જ્યારે 2009માં કૉંગ્રેસમાંથી સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્ત જીતી હતી, પ્રિયા દત્તે બીજેપીના મહેશ રામ જેઠમલાણીને હરાવ્યા હતા. જ્યારે 2004માં આ બેઠક એકનાથ ગાયકવાડે, 1999માં શિવસેનાના મનોહર જોશી અને 1998માં આરપીઆઈના રામદાસ આઠવલેએ કબજે કરી હતી.

1996માં શિવસેનાના નારાયણ આઠવલે અને 1991માં કોંગ્રેસના શરદ દિઘે જીત્યા હતા. 1989માં શિવસેનાના વિદ્યાધર ગોખલેએ કૉંગ્રેસના ઉમેદવારને ખૂબ જ ઓછા માર્જિનથી હરાવ્યા હતા, જ્યારે 1984માં કૉંગ્રેસના શરદ દિઘે અહીંથી જીત્યા હતા. 1980માં જનતા પાર્ટીના પ્રમિલા મધુ દંડવતેએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા, જ્યારે 1977માં CPI(M)ના અહિલ્યા રાંગેકર આ બેઠક પર જીત્યા હતા.

ujjwal nikam poonam mahajan bharatiya janata party mumbai news Lok Sabha Election 2024 Lok Sabha mumbai congress shiv sena