પંચાયતની ચૂંટણીમાં નંબર વન કોણ? બીજેપી અને એનસીપીએ કર્યા દાવા

20 January, 2022 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના સૌથી વધુ ૪૧૬ નગરસેવક ચૂંટાયા તો એનસીપી સૌથી વધુ ૨૬ પંચાયતમાં વિજયી થઈ : છેલ્લી ચૂંટણીની સરખામણીએ કૉન્ગ્રેસને ૩ બેઠકોનું નુકસાન તો શિવસેનાને ૬ પંચાયતનો ફાયદો થયો

શરદ પવાર

તાજેતરમાં રાજ્યની નગરપંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. એમાં બીજેપી અને એનસીપીએ પોતે નંબર વન રહ્યા હોવાનો દાવો કર્યો છે. ૨૦૧૭ની સરખામણીએ રાજ્યમાં બીજેપીને ૬ બેઠકના નુકસાન સાથે ૨૫ પંચાયતમાં વિજય મળ્યો છે, જ્યારે એનસીપીને ૧૩ના ફાયદા સાથે ૨૬ પંચાયત મળી છે. આની સામે કૉન્ગ્રેસને અગાઉની ૨૪ સામે ૨૧ પંચાયત હાથ લાગતાં ૩ બેઠકનું નુકસાન થયું છે. શિવસેનાને અગાઉની ૧૧ પંચાયતની તુલનામાં ૧૭ પંચાયત મળતાં ૬ પંચાયતનો ફાયદો થયો છે. ગઈ કાલે મોડી રાત સુધી ગણતરી ચાલુ હોવાથી આ આંકડામાં ફેરફાર થવાની ભારોભાર શકયતા છે.
પંચાયતની ચૂંટણીની ગઈ કાલે મતગણતરી હાથ ધરાયા બાદ એનસીપી અને બીજેપીના નેતાઓએ તેઓ નંબર વન રહ્યા હોવાનો દાવો કર્યો હતો. એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે ચૂંટણીનાં પરિણામો બાદ કહ્યું હતું કે ‘અમે રાજ્યમાં નંબર વન રહ્યા છીએ. એનસીપીને મતદાન કરવા બદલ સૌ મતદાતાનો આભાર. પક્ષે સામાન્ય લોકો સાથે સંવાદ અને મુલાકાતો કરીને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી અને તેમની વાત સાંભળવામાં આવી હતી. પક્ષમાં જરૂરી ફેરફાર અને કાર્યક્રમ બાબતે તેમણે કરેલાં સૂચનોને લીધે પક્ષને સફળતા મળી છે. જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે એથી વિરોધીઓને જોરદાર ઝટકો લાગ્યો છે.’
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે ‘રાજ્યની નગરપાલિકા, નગરપંચાયત તેમ જ ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદમાં બીજેપીને સૌથી વધુ બેઠકો મળવાથી બીજેપી જ રાજ્યમાં ફરી નંબર વન હોવાનું સિદ્ધ થયું છે. અમે અઢી વર્ષથી સત્તામાં ન હોવા છતાં મતદારોએ બીજેપીમાં વિશ્વાસ મૂક્યો છે એના માટે તેમનો આભાર. બીજેપીને સૌથી વધુ ૪૧૬ બેઠક મળી છે. સ્વતંત્ર કે ટેકો મેળવીને ૩૪ નગરપાલિકા અને નગરપંચાયતમાં બીજેપીની સત્તા આવશે. ગોંદિયામાં અને ભંડારા જિલ્લા પરિષદમાં ટેકો લઈને સત્તા મેળવીશું. વિરોધ પક્ષમાં હોવા છતાં બીજેપીના નેતા અને કાર્યકરોમાં સમન્વય હોવાથી સંગઠન મજબૂત છે જેને લીધે જ ચૂંટણીમાં અમને વિજય મળ્યો છે.’ 

કોના ફાળે કેટલી પંચાયત?
પક્ષ    ૨૦૧૭    ૨૦૨૨    ફાયદો/નુકસાન
બીજેપી    ૩૧    ૨૫    ૬નું નુકસાન
એનસીપી    ૧૩    ૨૬    ૧૩નો ફાયદો
કૉન્ગ્રેસ    ૨૪    ૨૧    ૩નું નુકસાન
શિવસેના    ૧૧    ૧૭    ૬નો ફાયદો

mumbai mumbai news indian politics panchayat shiv sena nationalist congress party bharatiya janata party