27 October, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટૂંક સમયમાં રાજ્યની સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે એ અંતર્ગત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની પણ ચૂંટણી થવાની છે. જોકે મુંબઈમાં રીડેવલપમેન્ટના અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એટલે એ મકાનોના ઘણા મતદારો બીજે રહેવા ચાલ્યા ગયા છે, શિફ્ટ થઈ ગયા છે. પૉલિટિકલ પાર્ટીઓ હવે ઇન્ટર્નલ સર્વે કરાવી રહી છે અને એ મતદારો ક્યાં રહેવા ગયા છે એ શોધીને તેમનો સંપર્ક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાએ કહ્યું હતું કે ‘પાર્ટીએ એવા ૪ વૉર્ડ શોધી કાઢ્યા છે જેના અનેક મતદારો હાલમાં શિફ્ટ થઈ ગયા છે અને જો એ મતદારો મતદાન કરવા નહીં આવે તો એની અસર ચોક્કસપણે રિઝલ્ટ પર પડશે. એથી એ મતદારો પોતાના ઓરિજિનલ વૉર્ડમાં જઈને મતદાન કરે એ માટે અમે તેમનો સંપર્ક કરી રહ્યા છીએ. આમાંનો એક વૉર્ડ નૉર્થ-ઈસ્ટ મુંબઈમાં છે, જ્યારે બીજા વૉર્ડ નૉર્થ મુંબઈમાં અને નૉર્થ-સેન્ટ્રલ મુંબઈમાં છે.’
આ બાબતે એક હાઉસિંગ એક્સપર્ટે કહ્યું હતું કે ‘જ્યારે બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જાય ત્યારે એના ઓરિજિનલ રહેવાસીઓ બની શકે તો એ જ એરિયામાં ભાડેથી ફ્લૅટ લઈને રહેતા હોય છે. હવે બને છે એવું કે ઘણાં બધાં મકાનો રીડેવલપમેન્ટમાં જતાં હોવાથી ભાડાના ફ્લૅટની પુષ્કળ ડિમાન્ડ નીકળે છે. સામે ભાડે આપવાના ફ્લૅટની સંખ્યા મર્યાદિત હોય છે એટલે ભાડું વધી જાય છે. ભાડું બહુ જ વધી જતાં આખરે પોતાનો વિસ્તાર છોડીને સસ્તું ભાડું હોય એવા દૂરના વિસ્તારમાં ઘણા લોકોએ નાછૂટકે શિફ્ટ થવું પડે છે.’
એકનાથ શિંદેની શિવસેનાના એક સિનિયર લીડરે કહ્યું હતું કે ‘કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે મતદારયાદી પ્રમાણે ડોર-ટુ-ડોર જઈને મતદારોનો સંપર્ક કરો. વળી જે નવા મતદારો છે તેમને રજિસ્ટર કરવામાં હેલ્પ કરો. વળી આ સ્થાનિક ચૂંટણીઓમાં માત્ર ૭૦થી ૮૦ વોટ પણ ઉમેદવારનું ભાવિ ફેરવી નાખવામાં ભાગ ભજવતા હોય છે એટલે હવે પ્રચાર પણ કેવી રીતે કરવો એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.’
અન્ય એક રાજકારણીએ કહ્યું હતું કે ‘આખી સ્લમનું રીડેવલપમેન્ટ થવાનું હોય ત્યારે ત્યાંના રહેવાસીઓને ટ્રાન્ઝિટ કૅમ્પમાં ખસેડવામાં આવે છે એ એક રીતે જોતાં સારું છે, કારણ કે તેઓ બધા એક જ જગ્યાએ મળી આવે છે. બિલ્ડિંગના રીડેવલપમેન્ટમાં એવું નથી હોતું. એ બધા અલગ-અલગ રહેતા હોય છે એટલે તેમને શોધી કાઢવા એ થોડું કપરું કામ થઈ જાય છે.’