20 April, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિલિવરી-બૉય્ઝ દ્વારા ગેરકાયદે પાર્ક કરવામાં આવતાં ટૂ-વ્હીલરને કારણે ત્યાં રહેનારા રહેવાસીઓ અને અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.
વિલે પાર્લે-વેસ્ટમાં એસ.વી. રોડ પર ગોલ્ડન ટબૅકો પાસે રોડ પર ગેરકાયદે પાર્ક થતાં અનેક ટૂ-વ્હીલરને કારણે રાહદારીઓને તથા અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે ટ્રૅફિક પોલીસ કોઈ ઍક્શન લેતી નથી એવી ફરિયાદ ત્યાંના રહેવાસીઓ કરી રહ્યા છે.
વિલે પાર્લે-વેસ્ટમાં એસ.વી. રોડ પર વિલે પાર્લેથી અંધેરી તરફની લેન પર જિયો માર્ટ, સ્વિગી, ઝોમાટો અને ઇન્ડિયા માર્ટના ડેપો આવેલા છે. એથી આ ડેપોમાંથી માલની ડિલિવરી લઈ ઝડપથી ડિલિવરી કરવાના આશય સાથે આ ડિલિવરી-બૉય્ઝ તેમનાં ટૂ-વ્હીલર ત્યાં જ રસ્તા પર પાર્ક કરતાં હોય છે એવી ફરિયાદ કરતાં ત્યાંના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટૂ-વ્હીલર ચલાવનારા આડેધડ તેમનાં ટૂ-વ્હીલર પાર્ક કરે છે. એટલું જ નહીં, રોડની સામેની બાજુ ટ્રૅફિક પોલીસ એકદમ ઍક્ટિવ હોય છે. અમારા બિલ્ડિંગવાળાની એકાદ કાર કે બાઇક થોડી વાર માટે પણ રોડ પર પાર્ક કરી હોય તો તરત જ એના ફોટો પાડી ચલાન મોકલાવી દે છે, પણ સામે જ ગેરકાયદે પાર્ક કરાતાં ટૂ-વ્હીલર પર કોઈ ઍક્શન તેઓ લેતા નથી. જો અમે તેમને ફરિયાદ કરીએ તો ગોળ-ગોળ જવાબ આપી વાત ઉડાડી દે છે.’