ચહેરો છુપાવીને તું કેમ ભાગી રહ્યો છે?

28 October, 2021 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું પોલીસ અધિકારી છું અને અમે કોઈને શોધી રહ્યા છીએ એમ કહીને ખાર રેલવે સ્ટેશન પર એક યુવક સાથે કરવામાં આવી ૫૮,૦૦૦ રૂપિયાની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસ પાસે રોડ પર થતી છેતરપિંડીના રોજ ત્રણથી ચાર કેસ આવતા હોય છે જેને અટકાવવા માટે પોલીસ અનેક પ્રયાસો પણ કરી રહી છે. જોકે ગઠિયાઓએ હવે રેલવે સ્ટેશનને પોતાનું નિશાન બનાવીને બહાર જેવી જ સરખી કાર્યપદ્ધતિ સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું છે. ખારમાં રહેતા એક યુવાનનો પ્લૅટફૉર્મ પર પીછો કરી તેને પોતાની પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી તેની પાસે રહેલો સામાન ચેક કરવાના બહાને ૫૮,૦૦૦ રૂપિયા લઈને આરોપી નાસી ગયો હતો. 
ફરિયાદી મોહનલાલ સુથાર બોરીવલીમાં એબીએન ફર્નિચરની દુકાનમાં સુથારનું કામ કરે છે. ગઈ કાલે એક વ્યક્તિને પૈસા આપવાના હોવાથી તે ચર્ચગેટ સ્લો લોકલથી ખાર સ્ટેશન ગયો હતો. ખાર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પરથી તે સ્ટેશનની બહાર જતો હતો ત્યારે ફરિયાદીની પાછળ એક અજાણ્યો યુવક આવ્યો હતો જેણે તેને કહ્યું હતું કે ‘હું ઘણી વારથી તને બૂમો પાડી રહ્યો છું. મારી બૂમો સાંભળીને તું કેમ ભાગી રહ્યો છે? હું પોલીસ અધિકારી છું. અમે કોઈને શોધી રહ્યા છીએ.’ આમ કહીને તેણે માસ્ક નીચે કરવા કહ્યું હતું. માસ્ક નીચે કર્યા પછી પોતાની ઓળખ પોલીસ તરીકે આપનાર વ્યક્તિએ પોતાના મોબાઇલથી કોઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘સાહેબ, તે એવો દેખાતો નથી. હું આને તપાસ માટે તમારી પાસે લઈ આવું છું.’ પોલીસ હોવાનો ભરોસો આપીને મોહનલાલ તેની સાથે જવા તૈયાર થયો હતો. એ પછી ફરિયાદીને તેણે પૂછ્યું હતું કે તમારી બૅગમાં જે છે એ બધું બતાવો મને. મોહનલાલે પોતાની બૅગ તેને બતાવી હતી. એ પછી તેણે પાછો એક ફોન લગાડ્યો હતો અને કહ્યું હતું કે સાહેબ, આ માણસ જેન્ટલમૅન લાગે છે, આપણે જે આરોપીને શોધી રહ્યા છીએ એ યુવાન આ લાગતો નથી. એમ કહી તેણે મોહનલાલને જવા માટે કહ્યું હતું. થોડે આગળ આવીને ફરિયાદીએ બૅગમાં તપાસ કરતાં આવેલો ગઠિયો તેની પાસે પડેલા પૈસા લઈ નાસી ગયો હતો. મોહનલાલે તરત ઘટનાની ફરિયાદ બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં કરી હતી.
બાંદરા રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૪૨૦ની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી પાસે આટલા પૈસા હોવાની જાણ આરોપીને હતી એટલે આ કોઈ જાણભેદુ લાગી રહ્યો છે. ફરિયાદીએ આપેલી માહિતીના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.’ 

Mumbai mumbai news