પુણેમાં અજિત પવાર કાકા શરદ પવાર સાથે મળીને BJPને હરાવવા લડશે?

24 December, 2025 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેમાં કૉન્ગ્રેસ પણ એની સાથે જ મળીને ચૂંટણી લડશે એવી સંભાવનાઓ જતાવાઈ રહી છે.

અજિત પવાર અને શરદ પવાર

પુણે મહાનગરપાલિકા અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અજિત પવાર અને શરદ પવાર બન્નેની સારીએવી પકડ છે. પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તા પર આવતી રોકવા મહાયુતિના સાથીપક્ષ એવા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અજિત પવાર મહા વિકાસ આઘાડીની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) સાથે મળીને લડે એવી અટકળો મુકાઈ રહી છે. ગઈ કાલે બન્ને જૂથના સ્થાનિક નેતાઓએ સાથે મળીને બેઠક પણ કરી હતી. થોડા વખત પહેલાં જ અજિત પવારે શરદ પવાર સાથે બંધબારણે બેઠક પણ કરી હતી. જોકે આ બાબતે જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરતાં ૨૬ ડિસેમ્બરે પિક્ચર ક્લિયર થશે એમ મભમમાં જણાવ્યું હતું.  

પુણેમાં કૉન્ગ્રેસ પણ એની સાથે જ મળીને ચૂંટણી લડશે એવી સંભાવનાઓ જતાવાઈ રહી છે. સુપ્રિયા સુળેએ આ બાબતે કહ્યું હતું કે ‘અજિત પવાર જૂથના અને અમારા કાર્યકરોની આ માટે ચર્ચા ચાલુ જ છે, પણ હજી સુધી ફૉર્મલ પ્રસ્તાવ આવ્યો નથી. એમ છતાં જો તેમણે (અજિત પવારે) આવું કહ્યું હોય તો એ વિચારીને જ કહ્યું હશે. બાકી મારી સાથે આ બાબતે કોઈએ કશી વાત કરી નથી. બન્ને પક્ષના કાર્યકરો વર્ષો સુધી સાથે રહ્યા છે, સાથે કામ કર્યું છે. વળી આ ચૂંટણી એ અમારી વ્ય​ક્તિગત નથી, કાર્યકરોની ચૂંટણી છે.’ 

mumbai news mumbai pune news pune ajit pawar nationalist congress party sharad pawar maharashtra political crisis supriya sule