પ્રધાનમંડળમાં ૫૦ ટકાની ફૉર્મ્યુલાથી બીજેપી આજે બીજો આંચકો આપશે?

09 August, 2022 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર બન્યાના સવા મહિના બાદ કૅબિનેટનું વિસ્તરણ થશે : ત્રણ સામે એક નહીં, એક સામે એક એટલે કે એકનાથ શિંદે જૂથને બીજેપી સરખેસરખી ભાગીદારી આપીને ફરી પોતાનો હાથ ઉપર રાખે એવી શક્યતા

ફાઇલ તસવીર

મહા વિકાસ આઘાડી સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સમર્થનથી ૩૦ જૂને મુખ્ય પ્રધાનના શપથ લીધા હતા ત્યારે બીજેપી પાસે ડબલ વિધાનસભ્યો હોવા છતાં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવીને બીજેપીએ સૌને ચોંકાવી દીધા હતા. આજે રાજભવનમાં આ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથના ૧૮ વિધાનસભ્યો પ્રધાનપદના શપથ લે એવી શક્યતા છે. આમ કરીને બીજેપી બીજી વખત સૌને ચોંકાવી શકે છે. આવું કરીને બીજેપીએ સત્તા મેળવવા માટે શિવસેનામાં બળવો કરાયો હોવાના થઈ રહેલા આરોપને જવાબ આપવાની સાથે સત્તા માટે નહીં, રાજ્યના હિત માટે પક્ષત્યાગ કરી રહી છે એવું દેખાડીને લોકોની સહાનુભૂતિ મેળવશે.

રાજ્યની ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં બીજેપી અને શિવસેના જુદાં-જુદાં લડ્યાં હતાં, પરંતુ ચૂંટણીનાં પરિણામ બાદ બન્નેએ યુતિ કરીને સરકારની સ્થાપના કરી હતી. પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ ૨૦૧૯માં બન્ને પક્ષે યુતિમાં વિધાનસભાની ચૂંટણી લડીને બહુમતી મેળવી હતી. જોકે મુખ્ય પ્રધાનપદના મામલે શિવસેનાએ બીજેપી સાથેની યુતિ તોડી નાખી હતી અને એનસીપી તથા કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને મહા વિકાસ આઘાડીની સ્થાપના કરી હતી અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે આ સરકારમાં સૌથી વધુ ખાતાં એનસીપી અને કૉન્ગ્રેસે મેળવ્યાં હતાં અને શિવસેનાને એકાદને બાદ કરતાં ઓછા મહત્ત્વનાં ૧૧ પ્રધાનપદ મળ્યાં હતાં એથી શિવસેનાના વરિષ્ઠ નેતાઓમાં ભારે અસંતોષ પેદા થયો હતો.

દોઢ મહિના પહેલાં એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરતાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. દસેક દિવસ મહારાષ્ટ્રની બહાર રહ્યા બાદ ૩૦ જૂને એકનાથ શિંદેએ બીજેપીના સમર્થનથી મુખ્ય પ્રધાનના શપથ લીધા હતા. બીજેપીના ૧૦૫ વિધાનસભ્યો છે અને એકનાથ શિંદે જૂથમાં ૫૧ વિધાનસભ્યો હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસને બદલે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવાતાં બધા ચોંકી ઊઠ્યા હતા. સંખ્યાની દૃષ્ટિએ બીજેપી પાસે એકનાથ શિંદે જૂથ કરતાં ડબલથી વધુ વિધાનસભ્યો છે છતાં મુખ્ય પ્રધાનપદની જેમ પ્રધાનમંડળના વિસ્તરણમાં પણ બીજેપી એકનાથ શિંદે જૂથને ૫૦ ટકા ખાતાં આપે એવી શક્યતા છે.

બીજેપીમાં આ વિશે કોઈ ખૂલીને બોલતું નથી, પરંતુ બીજેપીના એક વરિષ્ઠ નેતાએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે ‘અત્યારની પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર અઢી વર્ષ ટકે એના પર અમારું ફોકસ છે. બીજું, મહા વિકાસ આઘાડી સરકારમાં પ્રધાનપદ છોડીને એકનાથ શિંદે સહિત ૯ નેતાઓએ શિવસેનામાં બળવો કર્યો હતો. આ નેતાઓને તેમ જ ૧૦ અપક્ષ વિધાનસભ્યોને પણ યોગ્ય સ્થાન મળે એવા અમારા પ્રયાસ છે. ચોમાસા બાદ રાજ્યની મુંબઈ સહિત ૧૬ જેટલી મહાનગરપાલિકા તથા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે એમાં પણ સફળતા મળે એ માટે એકનાથ શિંદે જૂથને ખુશ રાખવા જરૂરી છે. અઢી વર્ષ બાદ પહેલાં લોકસભા અને ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય હાથમાં રહે તો લાંબા ગાળે બીજેપીને ફાયદો થશે જ.’

આજે સવારે ૧૧ વાગ્યે શપથવિધિ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માહિતી આપી હતી કે આજે સવારે શપથ લેનારા નેતાઓનાં નામ ફાઇનલ થશે અને ૧૧ વાગ્યે રાજભવનમાં રાજ્યપાલના હાથે તેમની શપથવિધિ હાથ ધરવામાં આવશે. જોકે કેટલા પ્રધાનો શપથ લેશે એ વિશે તેમણે ખૂલીને કાંઈ નહોતું કહ્યું. જાણવા મળ્યું હતું કે બીજેપી અને એકનાથ શિંદે જૂથના ૯-૯ વિધાનસભ્યોને પ્રધાનમંડળ વિસ્તરણના પહેલા તબક્કામાં શપથ લેવડાવાશે. આજે પ્રધાનોની શપથવિધિ થઈ ગયા બાદ આવતી કાલથી મુંબઈમાં ૧૮ ઑગસ્ટ સુધી એટલે કે ૯ દિવસનું વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે. 

ઈડી સંજય રાઉતની કૉલમની તપાસ કરશે
શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત પત્રા ચાળના કહેવાતા ૧૦૩૯ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની કસ્ટડીમાં છે ત્યારે તેમની રવિવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ‘રોખટોક’ કૉલમ છપાઈ હતી. જેલમાંથી કોઈ એવી કૉલમ છાપામાં કઈ રીતે લખી શકે એવો સવાલ મનસેના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ કરતાં ઈડીએ એની નોંધ લીધી હતી અને તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સંજય રાઉત ઈડીના અધિકારીઓને શું જવાબ આપે છે એ જોવું રહ્યું. દરમ્યાન, સંજય રાઉતની ૪ દિવસની ઈડી ક્સ્ટડી ગઈ કાલે પૂરી થવાથી તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૪ દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

શિવસેના એનસીપીથી નારાજ
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે અગ્રલેખ છપાયો હતો, જેમાં લખાયું હતું કે ‘ઈડીની મદદથી મહા વિકાસ આઘાડી સરકારને પાડવામાં આવી અને નવી સરકાર બની તેમ જ સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હોવા છતાં વિરોધ પક્ષ તરીકે માત્ર કૉન્ગ્રેસ જ લડત ચલાવી રહી છે. એનસીપીએ આ બાબતે કરવો જોઈએ એટલો વિરોધ હજી સુધી કર્યો નથી. એનસીપી વિરોધ પક્ષની ભૂમિકા ભૂલી ગઈ હોય એવું લાગે છે. નહીં તો ઈડી ઉપરાંત મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પર તે કેમ બોલતી નથી? શિવસેનાના આ લેખથી એ એનસીપીથી ખૂબ નારાજ હોય એવું જણાઈ આવે છે. ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની ધરપકડ કરાયા બાદથી અત્યાર સુધી એનસીપી ચીફ શરદ પવારે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. કદાચ આને લીધે શિવસેના અકળાઈ છે.

mumbai mumbai news bharatiya janata party shiv sena eknath shinde devendra fadnavis