કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં? ગણેશોત્સવ કરશે નક્કી?

06 September, 2021 07:44 AM IST  |  Mumbai | Viral Shah

બાપ્પાની પધરામણી વખતે ગિરદીની શક્યતા હોવાથી ત્યાર પછીના દિવસો નિર્ણાયક બની શકે

ગઈ કાલે ગણપતિબાપ્પાના ડેકોરેશનનો સામાન ખરીદવા માટે દાદરની માર્કેટમાં ઊમટી પડેલા મુંબઈગરાઓ. આશિષ રાજે

છેલ્લા એક-દોઢ મહિનાથી આપણે સાંભળી રહ્યા છીએ કે ત્રીજી લહેર આપણા દરવાજે આવીને ઊભી છે અને આપણે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. આ વાત સાચી હોવા છતાં અત્યારે રાજ્ય સરકારથી લઈને મુંબઈ મહાનગરપાલિકા સુધી બધાની નજર માત્ર ને માત્ર શુક્રવારથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવ પર છે. રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સનું માનવું છે કે જો ગણેશોત્સવના અઠવાડિયાથી દસ દિવસની અંદર કોરોનાના કેસની સંખ્યામાં અસાધારણ વધારો જોવા મળ્યો તો સમજી લેવું કે આપણે ત્યાં કોરાનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને જો એવું ન થાય તો સરકારથી લઈને બધા માટે ખુશ થવાની વાત છે, કારણ કે એનો એવો અર્થ નીકળી શકે છે કે મોટી સંખ્યામાં લોકોના શરીરમાં કોરોનાની સામે લડવા માટે ઍન્ટિ-બૉડીઝ મોજૂદ છે. 
સુધરાઈના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આપણને થોડી સ્પષ્ટતા મળશે કે ત્રીજી લહેર આવશે કે નહીં. આનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું કે ‘અત્યારે અમે લોકોને તહેવારો દરમ્યાન ભેગા ન થવાનું સતત કહી રહ્યા છીએ. એમ છતાં ગણેશોત્સવ દરમ્યાન લોકો ભેગા થશે એની અમને ખબર છે, પણ અમારી અપીલનો ફરક એ પડશે કે જ્યાં લોકો બિન્દાસ થઈને મોટી સંખ્યામાં કે મોટા પાયે ભેગા થવાના હશે એમાં જરૂર કાપ મુકાશે. આ સિવાય ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં મુંબઈથી કોંકણવાસીઓ પોતાના ગામમાં ગણેશોત્સવ કરવા જતા હોય છે. એક વખત ગણેશોત્સવ પૂરો થઈ ગયો અને ત્યાર બાદ પણ કેસમાં અસાધારણ વધારો જોવા નહીં મળે તો એ આપણા માટે બહુ જ સારું ચિહ્ન કહેવાશે. એનું કારણ એ છે કે અત્યાર સુધી એક્સપર્ટ્સ પાસે પણ એવો કોઈ આધાર નથી જેના આધારે તેઓ કહી શકે કે ત્રીજી લહેર આવશે કે નહીં. અત્યારે તેઓ કેરળમાં ઓનમ વખતે લોકો ભેગા થયા હતા એને લીધે ત્યાં કેસમાં ઉછાળો આવ્યો હોવાથી અહીં તહેવારોમાં આ જ વાતનું પુનરાવર્તન તો નહીં થાયને એની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો ગણેશોત્સવ બાદ પણ પરિસ્થિતિ નૉર્મલ રહેશે તો તેમને એક સાયન્ટિફિક બેઝ મળશે જેના પરથી તેઓ કોરોનાની દશા અને દિશા બાબતે કંઈ ચોક્કસ કહી શકશે.’
સરકારનું માનવું છે કે ગણપતિ બાદ આવનારી નવરાત્રિમાં તેઓ પરવાનગી આપવાના ન હોવાથી લોકોના ભેગા થવાની શક્યતા ઓછી છે અને આ તહેવાર ગુજરાતીઓ જ મોટા પાયે મનાવતા હોવાથી તેમણે મુંબઈ જેવા શહેરમાં ગુજરાતી વિસ્તારોમાં જ ધ્યાન રાખવાની જરૂર છે. દિવાળી પહેલાં સુધરાઈ મોટી સંખ્યામાં મુંબઈગરાઓ ફુલ્લી વૅક્સિનેટેડ થઈ જાય એ દિશામાં કોશિશ કરી રહી છે.
આ બાબતે સુધરાઈના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે અમારું ધ્યાન આગામી ગણેશોત્સવ સહિતના તહેવારો પર છે. એક વખત આ ફેસ્ટિવલ પૂરો થઈ જાય પછી અમે કોરોનાની પરિસ્થિતિનું અવલોકન કરીશું અને ત્યાર બાદ જ કોઈ પણ નવી રાહત આપવી કે નહીં એ બાબતે નિર્ણય લેવામાં આવશે. અત્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, પણ બધાએ સાવચેત રહેવાની જરૂર છે.’
છેલ્લા થોડાક દિવસોમાં શહેરમાં કોરોનાના કેસમાં વીસ ટકાનો વધારો થયો છે, પરંતુ એક્સપર્ટ્સ આને ત્રીજી લહેરની શરૂઆત હજી નથી માની રહ્યા એનું કારણ એ છે કે સુધરાઈએ આ દિવસોમાં ટેસ્ટ વધારી હોવાથી આંકડો વધારે દેખાઈ રહ્યો છે. જોકે થોડી ચિંતાજનક વાત એ છે કે ઑગસ્ટ મહિનામાં એક સમયે ટેસ્ટ પૉઝિટિવિટી રેટ ૦.૪૧ ટકા સુધી નીચે જતો રહ્યો હતો જે વધીને ૧.૨૯ સુધી ગયો હતો. આમ છતાં એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પૉઝિટિવિટી રેટ હજી કન્ટ્રોલમાં હોવાથી ગભરાવાની જરૂર નથી.
રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશી ગણેશોત્સવ જ ત્રીજી લહેર આવશે કે નહીં એ નક્કી કરશે એ વાત સાથે સહમત નથી થતા. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટી સંખ્યામાં લોકો ગણેશોત્સવ ઘરોમાં ઊજવવાના હોવાથી ભેગા થવાની શક્યતા ઓછી છે, પણ અત્યારે ડેલ્ટા વેરિઅન્ટ ઍક્ટિવ હોવાથી બધાએ એકદમ સાવચેત રહેવાની જરૂર છે. જરા પણ બેદરકારી ચાલે એમ નથી. ત્રીજી લહેર કદાચ આપણા આંગણે આવીને ઊભી પણ હોઈ શકે. અત્યારે આપણું ફોકસ જેમ બને એમ જલદી બે-તૃતીયાંશ લોકોને વૅક્સિનેટેડ કરવાનું હોવું જોઈએ.’
આના સંદર્ભમાં કોવિડ ટાસ્ક ફોર્સના બીજા એક સભ્ય ડૉ. રાહુલ પંડિતનો સંપર્ક કરતા તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રીજી લહેર ગણેશોત્સવને લીધે આવશે કે નહીં એ વિશે મારે કંઈ નથી કહેવું, પણ હું એટલું જરૂર કહેવા માગુ છું કે લોકોએ કોરોનાના નિયમોનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ અને ગિરદી કરવાનું પણ ટાળવું જોઈએ.’

 જો ગણેશોત્સવ બાદ પણ પરિસ્થિતિ નૉર્મલ રહેશે તો એક્સપર્ટ‍્સને એક સાયન્ટિફિક બેઝ મળશે જેના પરથી તેઓ કોરોનાની દશા અને દિશા બાબતે કંઈ ચોક્કસ કહી શકશે.
સુધરાઈના એક ઉચ્ચ અધિકારી

mumbai news Mumbai viral shah