મુંબઈ સુધરાઈની ચૂંટણી ‍એપ્રિલ-મે સુધી લંબાઈ જશે?

05 December, 2021 11:46 AM IST  |  Mumbai | Prajakta Kasale

હાલનું સુધરાઈનું ગૃહ ૮ માર્ચે વિઘટિત થશે

ફાઈલ તસવીર

સુધરાઈને રાજ્યના હાલના ૨૨૭ ચૂંટણી વૉર્ડમાં વધુ નવ વૉર્ડ ઉમેરવાનું જણાવતું નોટિફિકેશન મળ્યું છે. નોટિફિકેશનમાં જણાવાયા મુજબ સુધરાઈએ એક અઠવાડિયામાં એની પુનર્ગઠન યોજના ચૂંટણીપંચને સબમિટ કરવાની છે. જોકે આ યોજનાને આખરી ઓપ આપવામાં સહેજે એક મહિનાનો સમય લાગશે. 
રાજ્યની કૅબિનેટે ૧૦ નવેમ્બરે આગામી ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણીના વૉર્ડ હાલના ૨૨૭થી વધારીને ૨૩૬ કરવાનો નિર્ણય લીધો હતો. ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ ૨૯ નવેમ્બરે આ દરખાસ્તને મંજૂરી આપી હતી. 
બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘બીએમસીને રાજ્ય સરકાર તરફથી નોટિફિકેશન મળ્યું છે. અમે વૉર્ડના પુનર્ગઠનની યોજના સાથે તૈયાર છીએ. આવતા અઠવાડિયે અમે રાજ્યના ચૂંટણીપંચને અમારી યોજના સુપરત કરીશું.’
હાલનું સુધરાઈનું ગૃહ ૮ માર્ચે વિઘટિત થશે. સામાન્યપણે સુધરાઈની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાતી હોય છે અને મેયરની વરણી ૮ માર્ચ પહેલાં થતી હોય છે. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પુનર્ગઠન યોજના માટે રાજ્યના ચૂંટણીપંચની સૈદ્ધાંતિક મંજૂરી અનિવાર્ય હોવાથી એને આખરી ઓપ આપવામાં સહેજે એક મહિનાનો સમય લાગશે. ત્યાર બાદ જાહેર જનતાના સૂચનો અને વાંધાઓ માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવશે.’ 
મહિલાઓ, એસટી, એસસી અને ઓબીસી માટે અનામત વૉર્ડ રાખવાની બાબત પણ રહેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સુધરાઈની છેલ્લી ચૂંટણી વખતે વૉર્ડના પુનર્ગઠન માટે સૂચનો અને વાંધાઓ તેમ જ અનામતને એકસામટા કરવામાં આવ્યાં હોવાથી પ્રક્રિયા ઘણી ઝડપથી પૂર્ણ થઈ શકી હતી. જોકે આ વખતે આ જ પ્રક્રિયાઓ સમય માગી લેશે, જેથી આખરી ઓપ આપવામાં એક મહિનાનો સમય લાગી શકે છે.’ 
 ગયા વખતે વૉર્ડનું પુનર્ગઠન ૨૦૧૧ની વસ્તીગણતરીના આધારે કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ પ્રક્રિયા ૭ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. આ વખતે આ પ્રક્રિયાની શરૂઆત કરવામાં જ ત્રણ મહિનાનો વિલંબ થયો છે. 
એવી અફવાઓ છે કે ચૂંટણી એપ્રિલ-મે મહિના સુધી વિલંબિત કરવામાં આવી શકે છે. પરિણામે સુધરાઈનું નવું ગૃહ આવતા ચોમાસા સુધીમાં ગઠિત થશે. આ સંજોગોમાં રાજ્ય સરકાર હાલના ગૃહની મુદત લંબાવે એવી સંભાવના છે કે પછી ૮ માર્ચ પછી વહીવટી તંત્ર બીએમસીનો કાર્યભાર સંભાળી શકે છે. 

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale