પોતાના વાહનની સગવડ છોડીને ટ્રેન-બસ-રિક્ષામાં પ્રવાસ કરવા તૈયાર છો?

11 June, 2026 07:18 AM IST  |  Mumbai | Varsha Chitaliya

આ શુક્રવારે BKCમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે કામધંધા માટે આ ધમધમતા વિસ્તારમાં દરરોજ આવતા મુંબઈગરા ગુજરાતીઓને મિડ-ડેનો સવાલ

AI ઇમેજ

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં પ્રત્યેક શુક્રવારને ‘પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે’ જાહેર કર્યો છે. MMRDAએ BKCમાં કામ કરતા બે લાખ લોકોને દર શુક્રવારે આ અભિયાનમાં જોડાવાની હાકલ કરી છે. લોકો પ્રાઇવેટ વાહનો અને અૅપ-આધારિત કૅબ્સને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને BKCમાં ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં તથા ઈંધણ બચાવવામાં સહભાગી થાય એ આ પહેલ પાછળનો ઉદ્દેશ છે. ભારતમાં કોઈ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં પહેલવહેલી વાર થવા જઈ રહેલા આ પ્રયોગમાં MMRDAએ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અૅન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL), ટ્રાફિક, ઑટોરિક્ષા યુનિયનોનો સહયોગ લીધો છે. MMRDAએ પોતાના બે હજાર કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવાનો નિર્દેશ આપ્યો છે. મુંબઈમાં અને BKCમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સગવડ અપૂરતી છે, ચોમાસું પણ બેસી રહ્યું છે ત્યારે આ અભિયાનને કેટલી સફળતા મળે છે એ જોવું રહ્યું. ‘મિડ-ડે’એ BKC આવતા મુંબઈગરા ગુજરાતીઓને પૂછી જોયું કે તેમનો આ પહેલ વિશે શું અભિપ્રાય છે - શું તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવશે BKC?

ઑટોની રાહ જોવી કંટાળાજનક : સચિન પરીખ, હીરાના વેપારી,​મલાડ-વેસ્ટ

હું ઘણાં વર્ષથી જાતે કાર ડ્રાઇવ કરીને ઑફિસ જાઉં છું. ઘરેથી BKC પહોંચતાં લગભગ એક કલાક ને વીસ મિનિટ થાય છે. સાંજે વળતી વખતે ભાઈ અથવા પાર્ટનર સાથે હોય. અઠવાડિયે એક વાર પબ્લિક ટ્રાન્સપોર્ટની પહેલ સારી છે. મુંબઈમાં ટ્રેન શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે તો ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનો શરૂ થઈ છે. ટ્રેનમાં સમય અને પૈસાની બચત થાય, પરંતુ તકલીફ એ છે કે સાંજના સમયે BKCથી બાંદરા કે સાંતાક્રુઝ રેલવે-સ્ટેશન જવા માટે ઑટોરિક્ષા જલદી મળતી નથી. એની રાહ જોવી ત્રાસદાયક છે એથી કાર પસંદ કરીએ છીએ. ભૂતકાળમાં ACનો પાસ કઢાવ્યો હતો, પણ ઑટોની ફ્રીક્વન્સી ઓછી હોવાને લીધે ફરી કાર તરફ વળી ગયા. હાલમાં માર્કેટમાં મંદી છે, મોટા ભાગે શનિવારે ઑફિસ જતા નથી, પણ ​અભિયાનને સપોર્ટ કરવા એકાદ વાર AC ટ્રેનનો ઉપયોગ કરીશું. ફાવશે તો આગળ વિચારીશું. લોકોને જાહેર પરિવહન તરફ વાળવા હોય તો ઑટો અને બસની સુવિધા વધારવી જોઈએ. 

જાહેર પરિવહન પર્યાપ્ત નથી : જિજ્ઞેશ સોની, અકાઉન્ટ મૅનેજર, મલાડ

લોકલ ટ્રેનનું ટ્રાવેલિંગ હેક્ટિક છે. રેલવે-સ્ટેશનથી BKC જવું એટલે માથાનો દુખાવો. રિટર્નમાં ઑટો મળતી નથી. શૅરિંગના ૪૦-૫૦ રૂપિયા એમ મનફાવે એવા ભાવ લે છે. ઘણી વાર બાંદરા કોર્ટ પાસે ઉતારી દે. ત્યાંથી રેલવે-સ્ટેશન સુધી ચાલવું ભયંકર ત્રાસદાયક છે. બારેમાસ ગંદકી હોય છે. એમાંય ચોમાસાના ૪ મહિના તો અહીં ભયંકર દુર્ગંધ આવતી હોય. ક્યારેક સ્ટેશન પહોંચતાં કલાક નીકળી જાય. બસ ઉપરથી ભરાઈને આવે. ચાર-પાંચ બસ છોડો ત્યારે લટકતા જવું પડે એટલી ભીડ હોય છે. કનેક્ટિવિટી માટે હજી જોઈએ એટલું કામ થયું નથી. હું કંઈ દરરોજ ત્રણ મેટ્રો બદલીને ઘરે નથી જવાનો. પૉઇન્ટ ટુ પૉઇન્ટ કનેક્ટિવિટી હોય તો કામનું. દરરોજ ઓલા-ઉબર પરવડે નહીં એટલે અઠવાડિયે એકાદ વાર ટ્રેનમાં જાઉં છું. જે દિવસે ટ્રેન પકડવાની હોય ત્યારે ઑફિસથી સાંજે વહેલો નીકળી જાઉં જેથી ટ્રાફિક ઓછો નડે અને ઑટોવાળા રેલવે-બ્રિજ સુધી મૂકી દે. લોકો જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરે એવું સરકાર ઇચ્છતી હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધારવી પડશે. હાલના સંજોગોમાં BKCમાં કામ કરતા લોકો માટે જાહેર પરિવહન પર્યાપ્ત નથી. 

સુવિધા મળી તો ડાયવર્ટ થયા : અનિલ પઘદર, ડાયમન્ડ માર્કેટ, ઘોડબંદર

મારું ઘર રેલવે-સ્ટેશનથી ઘણું દૂર છે. ઘોડબંદરથી થાણે રેલવે-સ્ટેશન, ત્યાંથી કુર્લાની ટ્રેન પકડો અને પછી BKC પહોંચો. આટલી લાંબી મુસાફરી નહોતી કરવી એથી અગાઉ ઘોડબંદરથી BKC સેલ્ફ-ડ્રાઇવ કરીને જતો હતો. જોકે રોડ પર પણ એટલો ભયંકર ટ્રાફિક જૅમ થાય કે ડ્રાઇવ કરીને પગ દુખી જાય. કોઈ ઑપ્શન નહોતો ત્યાં સુધી કાર દોડાવી. BKCમાં પાર્કિંગના ૧૮૦ રૂપિયા આપતા હતા. જ્યારથી ‘ચલો બસ’ની સુવિધા થઈ છે ત્યારથી કાર લઈને જવાનું છોડી દીધું. ચલો ઍપ પરથી કન્ફર્મ સીટ મળી જાય અને ACમાં મુસાફરી આરામદાયક લાગે. જોકે દરરોજના ૨૫૦ રૂપિયા બધાને ન પરવડે. પૈસા અને સમયની ગણતરી કરીએ તો વધુ ફાયદો નથી, પણ થોડી નિરાંત લાગે. પ્રાઇવેટ વાહન લઈને આવનારાને પૈસા ખર્ચતાં સગવડ મળે તો તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ ચોક્કસ વળશે. તેમને શૅરિંગ રિક્ષા, બસ, લોકલ ટ્રેન વાપરવાનું કહેશો તો નહીં માને. કારવાળાને જાહેર પરિવહન તરફ વાળવા કમ્ફર્ટ ટ્રાન્સપોર્ટ આપવું પડશે.  લોકો પૈસા ખર્ચવા તૈયાર છે. 

શાંતિ અને કમ્ફર્ટ જોઈએ છે : ધવલ શાહ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ, મુલુંડ

પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરતા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાની અપીલ કરી છે, પરંતુ મોટા ભાગના લોકો ડાયવર્ટ નહીં થાય. પેટ્રોલના ભાવ વધવાથી હાયર સૅલેરી ક્લાસ પીપલને ઝાઝો ફરક નથી પડવાનો. હું ઘણા સમયથી મુલુંડથી BKC સેલ્ફ-ડ્રાઇવ કરીને જાઉં છું. કોઈક વાર બે-ત્રણ ફ્રેન્ડ્સ કાર-પૂલિંગ પણ કરી લઈએ. ઘણી વાર ટ્રાફિકને લીધે ઑફિસ પહોંચતાં બે કલાક નીકળી જાય છે છતાં ટ્રેનમાં નથી જતા, કારણ કે અમારી પાસે લૅપટૉપ હોય. આજના સમયમાં દરેક વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણેથી કામ કરી શકે છે. પ્રોડક્ટિવિટી મહત્ત્વની છે. પ્રાઇવેટ વાહનમાં મુસાફરી દરમ્યાન કામ કરી શકાય, ક્લાયન્ટ્સના કૉલ્સ અટેન્ડ થાય. ટ્રેનની ભીડમાં એ શક્ય નથી. આજકાલ અઠવાડિયે ત્રણ કે ચાર દિવસ ઑફિસ જવાનું હોય એમાં ટ્રેનની હાડમારી શું કામ કરવાની? શાંતિ, કમ્ફર્ટ અને વેધર આ ત્રણ બાબતોને લઈને કાર વાપરવાનું પ્રિફર કરું છું. બીજું, પ્રાઇવેટ વાહન વાપરનારાઓ સામાન્ય રીતે ઑટો, બસનો ટ્રાફિક વધે એ પહેલાં નીકળી જાય છે. જોશમાં આવીને આ અભિયાનને ફૉલો કરનારા પણ છેવટે તો પોતાની કમ્ફર્ટને પસંદ કરશે.

ઑફિસથી સ્ટેશન પહોંચવું ટાસ્ક છે : વિશાલ જેઠવા, જૉબ, વિલે પાર્લે

કોરોના મહામારી પછી બાઇક પર ઑફિસ જવાનું શરૂ કર્યું. ઘરેથી વિલે પાર્લે સ્ટેશન, ત્યાંથી ટ્રેનમાં બાંદરા, ફરીથી ઑટો અથવા બસ પકડીને BKC પહોંચવામાં સમય વેડફાય છે. આવી હાડમારી કરતાં બાઇક પર સીધા ઑફિસ પહોંચવું સરળ છે. હું સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ ઑફિસ જવા નીકળું છું જેથી ટ્રાફિક નથી નડતો. જોકે સાંજે ૬ વાગ્યે એક્ઝિટ લેવામાં ૪૫ મિનિટ થઈ જાય છે. BKCથી સાંતાક્રુઝ જવા માટે એક જ સર્વિસ રોડ હોવાથી ભયંકર ટ્રાફિક થાય છે. પ્રદૂષણ અને ટ્રાફિકને નિયંત્રણમાં કરવા આવી પહેલ આવશ્યક છે પણ મને નથી લાગતું કે લોકો એ માટે માને. કૉર્પોરેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોને પેટ્રોલના ભાવ વધી જાય એનાથી ફરક નથી પડવાનો. પ્રદૂષણ અને ટ્રાફિકથી ત્રસ્ત હોવા છતાં તેઓ કારને એક દિવસ પણ ગૅરેજમાં નથી મૂકવાના. પબ્લિક ટ્રાન્સપોર્ટની અપીલ કરતાં પહેલાં રસ્તાના ખાડા ભરવાની જરૂર છે. ચોમાસું માથે છે ત્યારે આવી અપીલ કારગત નહીં નીવડે. જોકે મને ટ્રેનમાં પ્રવાસનો અનુભવ છે એથી આ પહેલને સપોર્ટ કરવા એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીશ.

ધંધાકીય પ્રાઇવસી માટે કાર બેસ્ટ : રાકેશ મહેતા, હીરાના વેપારી, કાંદિવલી

ડાયમન્ડ માર્કેટ જ્યારે પંચરત્ન, ચર્ની રોડમાં હતી ત્યારથી કાર લઈને જાઉં છું. ૨૦૦૩થી લોકલ ટ્રેનમાં નથી બેઠો. ટ્રેન ઝડપી અને સસ્તી મુસાફરી છે છતાં અમારા માટે નકામી છે. સવારે ઘરેથી નીકળીએ ત્યારે હૉન્ગકૉન્ગ માર્કેટ ખૂલી જાય અને સાંજે બજારમાંથી નીકળીએ ત્યારે અમેરિકાની માર્કેટ ખૂલે. સતત ધંધાકીય ફોન ચાલતા હોય. ટ્રેનમાં આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ કેવી છે, કોણ છે એ જાણતા નથી. ભૂતકાળમાં અનેક વેપારીઓને ખરાબ અનુભવ થયા છે. કાંદિવલીથી સવા કલાકે BKC પહોંચું છું. બજારની પરિસ્થિતિ​ અને ઈંધણના દર જોતાં કાર મોંઘી પડે છે. ટ્રાફિકમાં હેરાન થવાનો શોખ નથી, પરંતુ ધંધાકીય પ્રાઇવસી વધુ જરૂરી છે. બાંદરા રેલવે-સ્ટેશન ન્યુસન્સ છે. મોબાઇલ ચોરાઈ જાય કે ખિસ્સાં કપાઈ જાય એવા કિસ્સા દરરોજ બનતા હોવાનું અન્ય વેપારીઓ અને દલાલોના મોઢે સાંભળ્યા પછી લોકલ ટ્રેનનો ઉપયોગ કરવાની ઇચ્છા જ નથી થતી. સરકારની અપીલ સારી છે, પરંતુ ઘોંઘાટ અને મગજમારી પસંદ નથી. મને નથી લાગતું કે મોટા વેપારીઓ આ અભિયાનમાં ભાગ લે.

mumbai news mumbai bandra kurla complex bandra mumbai traffic police mumbai traffic air pollution exclusive gujaratis of mumbai mumbai metropolitan region development authority