આ પ્રોટેસ્ટનો કેવો પડઘો પડશે આજે?

06 January, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલ્સન કૉલેજના ઐતિહાસિક જિમખાનાને ૩૦ વર્ષ માટે જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશનને લીઝ પર આપી દેવામાં આવ્યું એની સામેની અરજીની અદાલતમાં આજે સુનાવણી : ૧૮૩૨માં શરૂ કરવામાં આવેલા જિમખાનાનું સાઇનબોર્ડ ગઈ કાલે દૂર કરવામાં આવ્યું

ગઈ કાલે વિલ્સન કૉલેજ જિમખાનાના ગ્રાઉન્ડ પર ભેગા થઈને વિલ્સન કૉલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તસવીર : અદિતિ અલુરકર

૨૦૨૪માં રાજ્ય સરકારે વિલ્સન કૉલેજ જિમખાનાનું ગ્રાઉન્ડ ૩૦ વર્ષની લીઝ પર જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (JIO)ને આપ્યું હતું. સરકારના આ નિર્ણયની સામે વિલ્સન કૉલેજના મૅનેજમેન્ટે હાઈ કોર્ટમાં સિવિલ રિટ પિટિશન ફાઇલ કરી હતી. આ પિટિશનની આજે સુનાવણી થવાની છે. જોકે ગઈ કાલે સવારે જ્યારે આ જિમખાનનું સાઇનબોર્ડ દૂર કરવામાં આવ્યું ત્યારે વિલ્સન કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ અહીં ભેગા થયા હતા.

ગિરગામ ચોપાટીના આઇકૉનિક લોકેશન પાસે આવેલા આ જિમખાનાનું ઐતિહાસિક મહત્ત્વ પણ ખૂબ છે. ૧૮૩૨માં સ્થપાયેલું વિલ્સન કૉલેજ જિમખાના સાઉથ મુંબઈમાં સ્પોર્ટ્સ ઍક્ટિવિટીની અગ્રણી પબ્લિક પ્લેસમાંની એક ગણાય છે. આ જિમખાના સાથે ૩ દાયકાથી જોડાયેલા એક પ્રોફેસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિવાદ ન થયો ત્યાં સુધી અહીં સ્પોર્ટ્સ ઍક્ટિવિટી ચાલી રહી હતી. અરે, વિશ્વયુદ્ધોનાં વરસોમાં પણ આ ગ્રાઉન્ડમાં કોઈ કૅમ્પ નહોતા નાખવામાં આવ્યા અને સ્પોર્ટ્સ ઍક્ટિવિટી બરકરાર રહી હતી. જોકે આમાં મૅનેજમેન્ટની પણ ભૂલ છે. જિમખાનાને બરાબર મેઇન્ટેઇન ન કરવું અને કમર્શિયલ વપરાશ માટે ભાડે આપી દેવું એ મોટી ભૂલો છે, પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે વિલ્સન જિમખાના વિદ્યાર્થીઓ માટે છે. બીજા જિમખાનામાં તમારે મેમ્બરશિપ ચાર્જ ચૂકવવો પડે છે, જ્યારે આ ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓ પૈસા આપ્યા વગર રમી શકતા હતા.’

જિમખાના સાથે જોડાયેલા અન્ય એક હોદ્દેદારે જણાવ્યું હતું કે ‘આટલાં વરસોમાં એક પણ લીઝ ડિફૉલ્ટ નથી થઈ. અમને એવું કહેવામાં આવ્યું કે આ જિમખાના અમે કમર્શિયલ વપરાશ માટે ભાડે ન આપી શકીએ, પણ એ માટે પહેલાં કદી કોઈ વૉર્નિંગ આપવામાં નથી આવી કે કોઈ પેનલ્ટી પણ લેવામાં નથી આવી.’

શું કહેવું છે JIOનું?
JIOના એક મેમ્બરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પ્લૉટ માટે ઑલરેડી અમે પાછલાં બે વર્ષથી લીઝ ભરી રહ્યા છીએ. અત્યારે આ લૅન્ડની ઓનરશિપ અમારી પાસે છે એ પુરવાર કરવા માટેના તમામ ડૉક્યુમેન્ટ્સ અમારી પાસે છે. અમે આ જિમખાનાનો ઉપયોગ સ્પોર્ટ્સ ઍક્ટિવિટી માટે કરવા માગીએ છીએ. મુંબઈની જે સ્કૂલોમાં ઍન્યુઅલ ડે ફંક્શન જેવી ઇવેન્ટ માટે ગ્રાઉન્ડ ન હોય એવી સ્કૂલોને આ ગ્રાઉન્ડનો અમે લાભ આપીશું. આ જિમખાનાના સ્પિરિટને ધ્યાનમાં રાખીને અમે અહીં જૈન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું પણ વિચારી રહ્યા છીએ.’

- અદિતિ અલુરકર

ગોવંડી-દેવનારમાંથી ૨.૩૩ કરોડની કૅશ ઝડપાઈ

હાલ BMCની ચૂંટણીઓ ડિક્લેર થઈ ગઈ છે અને આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા વિજિલન્સ સ્ક્વૉડ પણ બનાવવામાં આવી છે. અનેક ઉમેદવાર બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે અને એથી પૈસા આપીને તેમને ફૉર્મ પાછું ખેચાવવા દબાણ કરાયું હોવાના આરોપ પણ થઈ રહ્યા છે. એવામાં ગઈ કાલે ગોવંડી-દેવનારમાં ઇલેક્શન કમિશનની વિજિલન્સ સ્ક્વૉડને એક વૅનમાંથી ૨.૩૩ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. 

mumbai news mumbai Crime News mumbai crime news columnists exclusive girgaum chowpatty