થાણેના ડૉક્ટર દંપતીના શ્વાનની ચોરી તેમનાં કાકીએ જ કરી હતી

30 October, 2025 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અવારનવાર ઘરે આવતાં હોવાથી શ્વાન સાથે લાગણી બંધાઈ ગઈ હતી, એને મેળવવા બીજો કોઈ ઉપાય ન દેખાતાં ચોરી કરી, પકડાઈ જવાના ડરથી બીજા સંબંધીને આપીને કાકી ફરાર

શ્વાન

થાણેના કોલશેત વિસ્તારની લોઢા અમારા સોસાયટીમાં રહેતા ડૉક્ટર દંપતીના ઘરેથી ગયા અઠવાડિયે લૅબ્રૅડૉર નસલના શ્વાનની ચોરી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં નજીકના એક સંબંધીની સંડોવણી હોવાની ચોંકાવનારી માહિતી કાપુરબાવડી પોલીસની તપાસમાં સામે આવી હતી.

શ્વાનનું છેલ્લું લોકેશન મીરા રોડમાં ટ્રેસ થયા બાદ થાણે અને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. મીરા રોડના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવતાં શ્વાન ડૉક્ટર દંપતીનાં નજીકનાં કાકી સાથે હોવાની જાણ થઈ હતી. આ દરમ્યાન પોલીસના ડરથી કાકીએ શ્વાનને ડૉક્ટરના બીજા એક સંબંધીને સોંપી દીધો હતો અને પોતે પલાયન થઈ ગયાં હતાં. અત્યારે ડૉક્ટર દંપતીને તેમનો શ્વાન પાછો મળી ગયો છે. જોકે શ્વાનની ચોરી કરનાર કાકીને હજી પણ પોલીસ શોધી રહી છે.

કેવી રીતે ઓળખાઈ ચોર?
કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેની હાઈ-પ્રોફાઇલ લોઢા અમારા સોસાયટીમાં રહેતા ડૉક્ટર રોહન દુબ્બલના ઘરનું તાળું તોડીને ચોર ૨૦,૦૦૦ રૂપિયા અને શ્વાનની ચોરી કરી ગયા હોવાની માહિતી મળી હતી. ચોરી થયેલા શ્વાનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને અમારી ટીમે ઝીણવટથી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મીરા રોડમાં શ્વાનનું લોકેશન ટ્રેસ થયા બાદ MBVV પોલીસની મદદથી ત્યાંના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. CCTV ફુટેજમાં ડૉક્ટરની પત્નીનાં એક સંબંધી મહિલા શ્વાન સાથે દેખાઈ આવ્યાં હતાં. એટલે તેમણે જ શ્વાનની ચોરી કરી હોવાની ખાતરી થતાં અમે તે મહિલા સુધી પહોંચવા માટે વિવિધ પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ દરમ્યાન અમે તેની તપાસ કરી રહ્યા હોવાની જાણ થતાં આરોપી મહિલાએ ડૉક્ટર દંપતીના ઘરેથી ચોરેલો શ્વાન ડૉક્ટરના અન્ય એક સંબંધીના ઘરે પહોંચાડી દીધો હતો. સોમવારે ડૉક્ટર દંપતીને તેમનો કૂતરો પાછો મળી ગયો હતો.’

શ્વાન સાથે લાગણી
સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ ડૉક્ટર દંપતીના ઘરનો શ્વાન ખૂબ જ ગમતો હતો. તે અવારનવાર ડૉક્ટર દંપતીના ઘરે આવતાં હોવાથી શ્વાન સાથે તેમની લાગણીઓ બંધાઈ ગઈ હતી. તેમને ખબર હતી કે તે ડૉક્ટર દંપતી પાસેથી શ્વાનની માગણી કરશે તો તેઓ આપશે નહીં એટલે તેમણે ચોરી કરી હતી. તેમણે પોતે આ માહિતી ડૉક્ટરના બીજા સંબંધીને શ્વાન સોંપતી વખતે કરી હતી.’

આ મામલે ‘મિડ-ડે’એ ડૉ. રોહન દુબ્બલ પાસેથી વધુ માહિતી જાણવા સંપર્ક કરતાં તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

mumbai news mumbai thane crime thane mumbai police maharashtra news