23 November, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવેએ સોશ્યલ મીડિયા પર જાગૃતિ લાવવા મૂકેલી પોસ્ટ.
એક એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરીને મૅગી બનાવતી મહિલા મુસાફરનો વિડિયો વાઇરલ થયા બાદ સેન્ટ્રલ રેલવેએ તેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે મહિલા સામે કાર્યવાહી થાય એ પહેલાં અન્ય મુસાફરો આવું જોખમી કામ ન કરે એ માટે સેન્ટ્રલ રેલવેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને લોકોને ચેતવ્યા છે.
વાઇરલ વિડિયો જોઈને મુસાફરોની સલામતી અને આગનાં સંભવિત જોખમો અંગે લોકોએ કમેન્ટ્સ કરી હતી. ત્યાર બાદ સેન્ટ્રલ રેલવેએ જનહિતમાં એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘ટ્રેનની અંદર ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ પ્રતિબંધિત છે. એ ગેરકાયદે અને સજાપાત્ર ગુનો છે. આવું કામ આગ લાગવાની ઘટનાનું કારણ બની શકે છે અને અન્ય મુસાફરો માટે પણ વિનાશક બની શકે છે. એને લીધે ઇલેક્ટ્રિક સપ્લાય ખોરવાઈ શકે છે અને ટ્રેનમાં AC તથા અન્ય ઇલેક્ટ્રિક પોર્ટમાં ખામી સર્જાઈ શકે છે.’
સેન્ટ્રલ રેલવેએ મુસાફરોને આવા જોખમી વર્તનથી દૂર રહેવાની અપીલ કરી છે અને આવી પ્રવૃત્તિઓની તાત્કાલિક જાણ અધિકારીઓને કરવાનું પણ સૂચન કર્યું છે.