21 November, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
GRP ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી આરોપી મહિલા.
૧૮ ઑક્ટોબરે મુલુંડ-વેસ્ટના ડમ્પિંગ રોડ પર રહેતી બાવન વર્ષની શીલા ગોસ્વામીના પર્સમાંથી હાથચાલાકી કરીને ૧૪ લાખ રૂપિયાના દાગીના તફડાવી લેનારી ૩૭ વર્ષની આરતી દત્તાની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના ક્રાઇમ બ્રાન્ચ યુનિટે સોમવારે ધરપકડ કરી હતી. આરતી ભીડના સમયે લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં પ્રવાસ કરીને મહિલાઓના શોલ્ડર-પર્સમાંથી દાગીના સેરવી લેતી હતી. એમાં તેણે માસ્ટરી કરી હોવાનો દાવો પોલીસ-અધિકારીઓએ કર્યો છે એટલું જ નહીં; તેની સામે વસઈ, દાદર, કુર્લા, થાણે સહિતનાં વિવિધ રેલવે પોલીસ-સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ નોંધાયેલી હોવાની માહિતી સામે આવી છે. આરોપી મહિલા પાસેથી પોલીસે ૧૮ લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના રિકવર કર્યા છે.
શું હતો મામલો?
GRP ક્રાઇમ બ્રાન્ચ યુનિટના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં રહેતી અને BKCની ડાયમન્ડ માર્કેટમાં નોકરી કરતી શીલા ગોસ્વામી ૧૮ ઑક્ટોબરની સાંજે મસ્જિદ બંદરના એક જ્વેલર પાસેથી દિવાળી નિમિત્તે ૧૦૦ ગ્રામ સોનાનું અને ૫૦૦ ગ્રામ ચાંદીનું એમ બે બિસ્કિટ ખરીદીને પોતાના શોલ્ડર-પર્સમાં રાખી લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં પ્રવાસ કરીને ઘરે પાછી આવી રહી હતી ત્યારે ભાંડુપ સ્ટેશન આવતાં પર્સની ચેઇન ખુલ્લી જોઈ હતી. પર્સની અંદર તપાસ કરતાં તેણે ખરીદેલા દાગીના ચોરાયા હોવાની ખાતરી થઈ હતી. અંતે તેણે ઘટનાની ફરિયાદ કુર્લા રેલવે-સ્ટેશનમાં નોંધાવી હતી.’
માસ્ટર મહિલાની ધરપકડ
GRP ક્રાઇમ બ્રાન્ચ યુનિટના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે CCTV કૅમેરાનાં ફુટેજ અને મહિલાના સ્ટેટમેન્ટ પ્રમાણે તપાસ હાથ ધરી હતી ત્યારે થાણેમાં આ જ રીતે એક મહિલાના શોલ્ડર-પર્સમાંથી પાંચ લાખ રૂપિયાના દાગીના સેરવી લીધા હોવાની માહિતી અમને મળી હતી. બન્ને વિસ્તારના CCTV કૅમેરા તપાસતાં એક શંકાસ્પદ મહિલા જોવા મળી હતી. એની તપાસ હાથ ધરતાં આરોપી મહિલાએ આ પહેલાં વસઈમાં પણ આ જ રીતે ચોરી કરી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી એવી બાતમી અમને મળી હતી. ત્યાર બાદ ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મેળવીને તેની ડોમ્બિવલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલા પાસેથી હાલમાં અમે ૧૮ લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના રિકવર કર્યા છે. આરોપી મહિલા ભીડનો ફાયદો લઈને મહિલાઓના શોલ્ડર-પર્સની ચેઇન ખોલીને ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. તેના વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’