29 October, 2025 07:21 AM IST | Mumbai | Shirish Vaktania
શાંતિ થાપા ઉર્ફે ચંદા રેગ્મીનું નેપાલનું ઓળખપત્ર.
૩૦ વર્ષથી બનાવટી દસ્તાવેજો સાથે ભારતમાં રહેતી નેપાલી મહિલા ૨૦ વર્ષથી ભારત અને નેપાલ બન્ને દેશોમાં મતદાન કરે છે. શાંતિ થાપા ઉર્ફે ચંદા રેગ્મી નામની મહિલાને મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન ઑફિસરોએ પકડ્યા બાદ આખો બનાવ બહાર આવ્યો હતો.
૨૪ ઑક્ટોબરે શાંતિ થાપા નેપાલના કાઠમાંડુથી મુંબઈ ઍરપોર્ટ પહોંચી ત્યારે ઇમિગ્રેશન ઑફિસરને તેણે ઇન્ડિયાનું વોટર ID કાર્ડ અને બોર્ડિંગ પાસ બતાવ્યાં હતાં. તે નેપાલ કયા હેતુથી ગઈતી એનો સ્પષ્ટ જવાબ ન મળતાં અધિકારીને તેના પર શંકા થઈ હતી. ત્યાર બાદ વધુ પૂછપરછમાં જણાયું હતું કે આ મહિલા ૧૯૯૬થી તેના હસબન્ડ સાથે કલ્યાણમાં રહે છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે ભારતમાં મતદાન પણ કરે છે.
નેપાલનું ID કાર્ડ બતાવતાં તેની ખરી ઓળખ ચંદા રેગ્મી તરીકે છતી થઈ હતી. ભારત અને નેપાલ વચ્ચે ડ્યુઅલ સિટિઝનશિપની જોગવાઈ નથી. એમ છતાં બનાવટી દસ્તાવેજોના આધારે આ મહિલા બન્ને દેશોના નાગરિક તરીકેના હક ભોગવતી હતી. આ ગુના હેઠળ સહાર પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી બનાવટી આધાર અને પૅન કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.