04 August, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં મૃત્યુ પામેલાં સુનીતા પાલ.
થાણે-ભિવંડી માર્ગ પર રાહનાળ ગામની સરહદ નજીક રસ્તા પરના જીવલેણ ખાડાને કારણે અકસ્માત થતાં રવિવારે સાંજે ૪૬ વર્ષનાં સુનીતા પાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પતિ અક્ષયલાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
થાણેના મનોરમાનગર વિસ્તારમાં રહેતાં સુનીતા પાલ પતિ અક્ષયલાલ સાથે સ્કૂટર પર ભિવંડીના અંજુર ફાટા વિસ્તારમાં ફ્લૅટ જોવા જઈ રહ્યાં હતાં. રાહનાળ ગામ નજીક
સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તા પર મોટા ખાડા પડ્યા હતા જેમાં વરસાદનું પાણી ભરાયેલું હોવાથી ખાડાનો અંદાજ આવ્યો નહોતો. પરિણામે સ્કૂટર ખાડામાં ખાબકતાં સ્લિપ થઈ ગયું હતું. અકસ્માતમાં અક્ષયલાલ રસ્તાની બાજુ પર ફેંકાયા હતા, જ્યારે સુનીતા રસ્તાની વચ્ચે પછડાયાં હતાં. એ જ સમયે પાછળથી આવી રહેલી એક ટ્રકે તેમને કચડી નાખતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ઘાયલ અક્ષયલાલને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ૧૫ ઑગસ્ટથી વિરોધ-પ્રદર્શન કરવાની ચીમકી
આ દુર્ઘટના બાદ ભિવંડી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓની બગડેલી સ્થિતિ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં પાણી ભરાવાને કારણે વાહનચાલકો માટે આ ખાડા કાળ સાબિત થઈ રહ્યા છે. ક્રોધિત સગાંસંબંધીઓ અને સ્થાનિક નાગરિકોએ રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે રસ્તા પરના જીવલેણ ખાડા તાત્કાલિક પૂરવામાં આવે અને પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ૧૫ ઑગસ્ટથી વિરોધ-પ્રદર્શન કરવાની ચીમકી પણ રહેવાસીઓએ આપી છે.