ખારદાંડા જેટી પર વિસર્જન દરમ્યાન મહિલાની બૅગ ચોરાઈ: પોલીસે ભેદ ઉકેલીને ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યો

23 September, 2026 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી પાસેથી ચોરાયેલો તમામ મુદ્દામાલ ૧૦૦ ટકા કબજે કરવામાં આવ્યો છે.

ખાર પોલીસે ધરપકડ કરેલો આરોપી અને રિકવર કરેલો મુદ્દામાલ.

ખાર વિસ્તારમાં આવેલી ખારદાંડા જેટી ખાતે રવિવારે સાંજે વિસર્જન દરમ્યાન એક મહિલાની લાખો રૂપિયાના સોનાના દાગીના અને રોકડ ભરેલી બૅગ ચોરાઈ હોવાનો બનાવ બન્યો હતો. આ ઘટના બાદ ખાર પોલીસે સઘન તપાસ કરીને ગણતરીના બે દિવસમાં જ ગુનાનો ઉકેલ લાવ્યો છે. પોલીસે ચોરીનો ૩,૬૬,૫૦૦ રૂપિયાનો સમગ્ર મુદ્દામાલ રિકવર કરીને એક આરોપીની ધરપકડ 
કરી છે.

ખાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિરાર-ઈસ્ટમાં રહેતાં ૪૩ વર્ષનાં માનસી ચિલે પોતાનાં સગાંસંબંધીઓ સાથે વિસર્જન માટે ખારદાંડા જેટી પર આવ્યાં હતાં. વિસર્જન કરવા જતી વખતે તેમણે પોતાની બૅગ રિક્ષામાં જ રાખી મૂકી હતી. વિસર્જન પતાવીને પાછાં ફરતાં બૅગ ગાયબ જણાતાં તેમણે રિક્ષા-ડ્રાઇવર અને આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. બૅગમાં ૩૯ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, રોકડ અને કપડાં મળીને કુલ ૩,૬૬,૫૦૦ રૂપિયાનો માલસામાન હતો. આની અમે ચોરીની ફરિયાદ નોંધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ખારદાંડા નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ પુરાવા સહિત બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ૩૩ વર્ષના શૈલેન્દ્ર કશ્યપની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરાયેલો તમામ મુદ્દામાલ ૧૦૦ ટકા કબજે કરવામાં આવ્યો છે.’

mumbai news mumbai khar visarjan