28 November, 2025 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરિતા લિંગાયતે ટ્રેનમાં મૅગી બનાવી હતી એને પગલે સેન્ટ્રલ રેલવેએ તેમનું જ પોસ્ટર બનાવીને લોકોને ચેતવ્યા. રેલવે પોલીસ-અધિકારીની ઉપસ્થિતિમાં સરિતા લિંગાયતે પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી હતી.
ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીમાં મૅગી બનાવીને પહેલાં ફેમસ થયેલાં અને પછી ફસાઈ ગયેલાં મૅગી આન્ટીને સેન્ટ્રલ રેલવે પોલીસે શોધી કાઢ્યાં હતાં. પોતાની ભૂલ સમજાતાં પિંપરી-ચિંચવડનાં સરિતા લિંગાયત નામના આ આન્ટીએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર વિડિયો પોસ્ટ કરીને લોકોને તેમના જેવી ભૂલ ન કરવાની અપીલ પણ કરી હતી.
૧૬ ઑક્ટોબરે હરિદ્વારથી પુણે જતી ટ્રેનમાં લેવામાં આવેલા વિડિયોમાં સરિતા લિંગાયત ટ્રેનમાં મોબાઇલ ચાર્જ કરવા માટેના સૉકેટમાં પ્લગ-ઇન કરીને ઇલેક્ટ્રિક કીટલીથી મૅગી બનાવતાં દેખાયાં હતાં. જોકે હવે નવો વિડિયો પોસ્ટ કરીને તેમણે ખુલાસો આપતાં કહ્યું હતું કે ‘એ દિવસે બાળકોએ કીટલીમાં મૅગી બનાવી શકાય કે નહીં એવું પૂછ્યું હતું અને આગ્રહ કર્યો હતો એટલે મેં કીટલીમાં પાણી ગરમ કરીને મૅગી બનાવી આપી હતી. ત્યારે અમારો એકાદશીનો ઉપવાસ હતો એટલે અમે કીટલીમાં પાણી ઉકાળીને ચા પણ બનાવી હતી. એ દિવસે ટ્રેન પણ છ-સાત કલાક મોડી પડી હતી એટલે બધાએ ચા શૅર કરીને પીધી હતી.’
હું તો નિમિત્ત બની
આ ભૂલ બદલ માફી માગતાં સરિતા લિંગાયતે કહ્યું હતું કે ‘હકીકતમાં મને ખબર નહોતી કે આવું કરવાથી કેટલું નુકસાન થઈ શકે છે, આ કેટલું જોખમી છે. કોઈને નુકસાન પહોંચાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. મેં તો અજાણતાંમાં જ આવું કર્યું હતું, પણ તમે લોકો હવે આવું ન કરતા. ટ્રેનમાં આ રીતે મૅગી બનાવશો નહીં. ટ્રેનમાં કોઈ હેવી ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરશો નહીં. આ ગુનો છે અને ટ્રેનના મુસાફરો માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે. મને મારી આ ભૂલથી વાકેફ કરાવવા માટે હું RPF મુંબઈનો આભાર માનું છું. મારા વિડિયોને લીધે આ વિશે જાગૃતિ ફેલાવવામાં હું નિમિત્ત બની.’
સેન્ટ્રલ રેલવેએ ભંગાર વેચીને ૨૪૩ કરોડની કમાણી કરી
સેન્ટ્રલ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષમાં ઑક્ટોબર સુધીમાં ભંગાર વેચીને ૨૪૩.૦૬ કરોડ રૂપિયા ઊભા કર્યા છે. એમાંથી ૫૧.૮૬ કરોડ ફક્ત ઑક્ટોબરમાં જ ઊભા કર્યા હતા. વળી ઑક્ટોબરના એક જ મહિનામાં આટલી રકમ ભંગાર વેચવામાંથી ઊપજી હોય એવું છેલ્લાં ૩ વર્ષમાં પહેલી વાર બન્યું છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં ૨૮.૯૩ કરોડ રૂપિયાનો ભંગાર વેચાયો હતો.