15 February, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કુર્લા સુધી પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ છેલ્લાં ૧૬ વર્ષથી પેન્ડિંગ છે. જોકે છેલ્લા થોડા વખતમાં સેન્ટ્રલ રેલવેએ આ સ્ટ્રેચમાં ૫૦૦ જેટલાં બાંધકામ જે આ કામ માટે આડખીલી રૂપે હતાં એ તોડી પાડ્યાં છે એટલે હવે આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે.
લોકલ અને મેલ એક્સપ્રેસ ટ્રેનો અલગ ટ્રૅક પર દોડે તો તેમની સર્વિસ વધારી શકાય એ માટે પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ભૂસંપાદન, રહેવાસીઓના પુનર્વસન, પ્રશાસકીય મંજૂરી અને ફાઇનૅન્સનો અભાવ જોતાં આ પ્રોજેક્ટ રખડી ગયો હતો. આ પ્રોજેક્ટને બે તબક્કામાં કુર્લાથી પરેલ (૧૦.૧૦ મીટર) અને પરેલથી CSMT (૭.૪ કિલોમીટરમાં) વિભાજિત કરી દેવાયો હતો છતાં ભૂસંપાદનમાં બહુ જ ડિલે થતું હોવાથી પ્રોજેક્ટ મંદ ગતિએ ચાલી રહ્યો હતો.
એ પછી સાયન અને માટુંગા વચ્ચે ૪૯૬ બાંધકામો તોડી પાડવામાં આવ્યાં એના કારણે ૧૮૮૦ ચોરસ મીટર જગ્યા મળી હતી. બાકીનાં ૨૨૯ બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં વચ્ચે આવતા તાતા કંપનીના હાઈ ટેન્શન કેબલ અને ટાવર ખસેડવામાં આવ્યાં છે. એ સિવાય હાર્બર લાઇન માટે કુર્લામાં ૧.૩ કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે જેનું લગભગ ૪૫ ટકા જેટલું કામ થઈ ગયું છે.