બોરીવલી સુધી હાર્બરનું કામ આવતા વર્ષથી જ

23 October, 2021 08:54 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

અત્યારે પનવેલથી ગોરેગામને જોડતી હાર્બર લાઇનને મલાડથી ત્રણ કિલોમીટર લાંબું એલિવેશન આપીને લંબાવવામાં આવે એવી શક્યતા છે : આખા પ્રોજેક્ટ માટેનો અલાઇનમેન્ટ સર્વે ડિસેમ્બર ૨૦૨૧ સુધી પૂરો થવામાં છે

કુર્લા પાસે હાર્બર લાઇન પરની લોકલ ટ્રેન. હાર્બર લાઇનને લંબાવવાનો પ્રોજેક્ટ પૂરો થતાં જ મુસાફરો પનવેલથી બોરીવલી વચ્ચેનું ૭૨ કિલોમીટરનું અંતર ૨૦ રૂપિયામાં કાપી શકશે.

શહેરના પશ્ચિમી પરા વિસ્તારોમાં નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈને બોરીવલી સાથે જોડતો મહત્ત્વનો પ્રોજેક્ટ નવા વર્ષથી શરૂ થવામાં છે. અત્યારે પનવેલથી ગોરગામને જોડતી હાર્બર લાઇનને મલાડથી ત્રણ કિલોમીટર સુધી એલિવેટેડ લાઇન બનાવીને લંબાવવામાં આવે એવી શક્યતા છે. આખા પ્રોજેક્ટ માટેનો અલાઇનમેન્ટ સર્વે ડિસેમ્બર ૨૦૨૧ સુધી પૂરો થવામાં છે.
વેસ્ટર્ન રેલવે ઝોનલ યુઝર્સની સલાહકાર સમિતિના સભ્ય શૈલેષ ગોયલે જણાવ્યું હતું કે ‘હું અંધેરીથી પનવેલ પ્રવાસ કરું છું, જે ઘણો અનુકૂળ રૂટ છે. એમાં દાદર કે થાણે ક્યાંયથી ટ્રેન બદલવી પડતી નથી. જો અત્યારની હાર્બર લાઇન બોરીવલી સુધી લંબાવી દેવામાં આવે તો-તો પછી એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે!’ 
જોકે હાર્બર લાઇનને લંબાવવાનું કામ ઘણું પડકારજનક છે. એક તો જમીનની ઘણી ખેંચ છે અને બીજું સંબંધિત લાઇન માટે સીધી ગોઠવણીની સમસ્યા છે. અલબત્ત, આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો થયા પછી મુસાફરો બોરીવલીથી પનવેલ સુધીનો ૭૨ કિલોમીટરનો પ્રવાસ ૨૦ રૂપિયામાં પૂરો કરી શકશે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘જો બધું આયોજન પ્રમાણે ચાલ્યું તો ૨૦૨૨માં જ આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ જાય એવી સંભાવના છે.’
હાર્બર લાઇનને ૭.૦૮ કિલોમીટર લંબાવવાનો પ્રોજેક્ટ મુંબઈ રેલવિકાસ કૉર્પોરેશન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-૩ (એમયુટીપી-૩) પ્રસ્તાવનો હિસ્સો છે. રેલવે બોર્ડ દ્વારા ૨૦૧૯માં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા અમલમાં મૂકવામાં આવનારા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૭૪૫.૩૧ કરોડ રૂપિયા છે.
એમયુટીપી-૩માં અન્ય પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કમ્યુનિકેશનબેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ, બોરીવલી અને વિરાર વચ્ચે વધુ બે લાઇનના ઉમેરો ઉપરાંત પરા વિસ્તારોનાં ૧૬ સ્ટેશનોનું આધુનિકીકરણ અને નવીનીકરણ વગેરે પ્રોજેક્ટ્સ પણ એમયુટીપી-૩માં છે.

Mumbai mumbai news rajendra aklekar