12 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વરલીના પી. બી. રોડ પર રહેતી અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી (NIFT)માં અભ્યાસ કરતી ૨૪ વર્ષની વિદ્યાર્થિનીને આત્મહત્યા કરવા પ્રેરિત કરવા બદલ વરલી પોલીસે તેના પિતા સામે શનિવારે ફરિયાદ નોંધી હતી. પુણેના આંબેગાવના વતની અને વ્યવસાયે ખેડૂત પિતા પોતાની પુત્રીને સતત માનસિક ત્રાસ આપતો હોવાથી અને ચરિત્ર પર શંકા કરતો હોવાથી પુત્રીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પિતા દારૂનો વ્યસની હોવાથી ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા જેનાથી કંટાળીને પુત્રી તેની માતા સાથે વરલી રહેવા આવી ગઈ હતી. આ ઘટનાને પગલે વરલી પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને ગુનાહિત ધમકીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વરલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી મેએ પિતા અને પુત્રી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પુત્રીએ તેના પિતાને વિડિયો-કૉલ કર્યો હતો અને તેમના માનસિક ત્રાસથી કંટાળીને તેમની નજર સામે જ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. આ અત્યંત ગંભીર બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આરોપી પિતાએ તેના સાળાના ઘરે જઈને આ કરુણ ઘટના વિશે અમાનવીય રીતે બડાશ મારી હતી અને તાળીઓ પાડીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. હાલમાં અમે એ વિડિયો-કૉલના પુરાવાઓ અને અન્ય ટેક્નિકલ પાસાંઓની તપાસ શરૂ કરી છે.’