20 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વરલી પોલીસ-સ્ટેશનમાં ૧૬ એપ્રિલે મહિલાએ તેની સાથે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસમાં અઠવાડિયા પહેલાં થયેલી છેડતીની ફરિયાદ કરી હતી. વરલી પોલીસે એને ગંભીરતાથી લઈ ઝડપી તપાસ કરી ફરિયાદ નોંધાયાના ૨૪ જ કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો.
મહિલા સાથે છેડતીની ઘટના ૧૦ એપ્રિલે બની હતી. ૨૬ વર્ષની મહિલા પ્રભાદેવીથી કુરણે ચોક જવા બસમાં ચડી હતી. એ પ્રવાસ દરમ્યાન આરોપી તેની પાછળ ઊભો હતો, તેણે મહિલાના પ્રાઇવેટ પાર્ટ્સ પર અણછાજતો સ્પર્શ કર્યો હતો. મહિલા પહેલાં આ બાબતે ફરિયાદ કરતાં અચકાતી હતી. જોકે એ પછી તેણે ૧૬ એપ્રિલે હિંમત દાખવીને વરલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
વરલી પોલીસે તેની ફરિયાદના આધારે વિનયભંગનો ગુનો નોંધ્યો હતો. એ પછી મહિલાએ આપેલી વિગતોને આધારે તેણે કઈ બસમાં પ્રવાસ કર્યો હતો એ શોધી કાઢ્યું હતું. ત્યાર બાદ બસની અંદરના ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસતાં મહિલાએ કરેલી ફરિયાદમાં તથ્ય હોવાનું જણાઈ આવ્યું હતું. એથી તે આરોપી યુવાન બસમાં ક્યાંથી ચડ્યો, ક્યાં ઊતર્યો એનાં CCTV કૅમેરાના ફુટેજ ચેક કરીને આખરે તેને વરલીની એક કંપનીમાંથી ઝડપી લીધો હતો. ૩૧ વર્ષનો આરોપી ઇરફાન હસન શેખ બાંદરાની ખેરવાડીનો રહેવાસી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.