02 July, 2025 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પેકેજિંગનું લેબલ જેમાં પેકેજિંગની તારીખ વગેરે દર્શાવવામાં આવી છે (જમણે) બિસ્કિટની અંદર જીવંત કીડો (તસવીરોઃ મિડ-ડે)
શું ખાવું અને શું ન ખાવું એ જાણે ગ્રાહકો માટે મોટો પ્રશ્ન બની ગયો છે! કારણકે બ્રિટાનિયા (Britannia)ના ગુડ ડે બિસ્કિટ (Good Day biscuit)ના એક પેકેટમાં કીડો મળી આવ્યો હોવાના જુના કેસે આ પ્રશ્ન ફરી ઉભો કર્યો છે. જોકે, આ જુના કેસમાં ફરિયાદીની જીત થઈ છે.
દક્ષિણ મુંબઈના (South Mumbai) જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ (District Consumer Disputes Redressal Commission)એ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Britannia Industries Ltd) અને ચર્ચગેટ (Churchgate) સ્થિત એક કૅમિસ્ટને ૨૦૧૯માં ગુડ ડે બિસ્કિટના પેકેટમાં જીવંત કીડો શોધનાર ગ્રાહકને કુલ ૧.૭૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
સૂત્રો પાસેથી મિડ-ડેને મળેલી માહિતી અનુસાર, ફરિયાદી ૩૪ વર્ષીય મહિલા આઇટી પ્રોફેશનલ છે અને મલાડ (Malad)માં રહે છે. ફેબ્રુઆરી ૨૦૧૯માં દૂષિત ઉત્પાદનના સેવન પછી સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થયા બાદ તેણીએ કેસ દાખલ કર્યો હતો.
ફરિયાદ મુજબ, મહિલાએ દક્ષિણ મુંબઈમાં કામ પર જતી વખતે ચર્ચગેટ સ્ટેશનના અધિકૃત રિટેલર મેસર્સ અશોક એમ શાહ (M/s Ashok M Shah) પાસેથી બિસ્કિટનું પેકેટ ખરીદ્યું હતું. બે બિસ્કિટ ખાધા પછી તરત જ, તેણીને ઉબકા આવવા લાગ્યા અને ઉલટી થવા લાગી. પેકેટની તપાસ કરતાં, તેની અંદર એક જીવંત કીડો જોઈને તે ગભરાઈ ગઈ. જ્યારે તેણી આ મુદ્દો ઉઠાવવા માટે દુકાન પર પાછી આવી, ત્યારે દુકાનદારે તેણીની ફરિયાદને ફગાવી દીધી. તેણીએ બ્રિટાનિયાના ગ્રાહક સંભાળ કેન્દ્રનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ અહેવાલ મુજબ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
ત્યારબાદ ફરિયાદી મહિલા ગ્રાહકે દૂષિત બિસ્કિટ પેકેટ, તેની બેચ વિગતો સહિત, સાચવી રાખ્યું અને તેને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના ફૂડ એનાલિસ્ટ વિભાગ (Food Analyst Department)ને સુપરત કર્યું. લેબ રિપોર્ટમાં કૃમિની હાજરીની પુષ્ટિ થઈ અને ઉત્પાદનને માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું.
આ પછી, તેણીએ ૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ બ્રિટાનિયાને કાનૂની નોટિસ ફટકારી અને વળતર માંગ્યું. ઉત્પાદક તરફથી કોઈ જવાબ ન મળતાં, તેણીએ માર્ચ ૨૦૧૯માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૬૮ (Consumer Protection Act 1986) હેઠળ ઔપચારિક ફરિયાદ દાખલ કરી, જેમાં માનસિક પીડા માટે ૨.૫ લાખ અને મુકદ્દમાના ખર્ચ માટે ૫૦,૦૦૦ની માંગણી કરવામાં આવી.
ફરિયાદી પક્ષના વકીલ પંકજ કંધારીએ મિડ-ડે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મહિલાએ પોતાના રોજિંદા જીવનના ભાગ રૂપે ચર્ચગેટની દુકાનમાંથી બિસ્કિટ ખરીદ્યું હતું અને તે ખાધા પછી તે બીમાર પડી ગઈ હતી. તેણે નમૂના સાચવીને તેનું પરીક્ષણ કરાવીને જવાબદારીપૂર્વક કામ કર્યું હતું. રિપોર્ટમાં સાબિત થયું કે ઉત્પાદન ખાવા માટે અયોગ્ય હતું. છતાં, રિટેલર કે ઉત્પાદકે વળતર આપ્યું ન હતું, જેના કારણે તેની પાસે કોર્ટ દ્વારા ન્યાય મેળવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.’
વકીલ કંધારીએ ઉમેર્યું કે, ઘણા વર્ષો સુધી આ કેસની સુનાવણી થઈ. જેમાં લગભગ ૩૦થી ૩૫ સુનાવણી થઈ. ૨૭ જૂનના રોજ, કોર્ટે ફરિયાદી મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો. જેમાં કોર્ટે ચુકાદાના ૪૫ દિવસની અંદર બ્રિટાનિયાને ૧.૫ લાખ રુપિયા વળતર અને દુકાનદારને ૨૫,૦૦૦ રુપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ પણ પક્ષ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેઓ સંપૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધી ચૂકવવામાં આવેલી રકમ પર વાર્ષિક ૯ ટકા વ્યાજ ચૂકવવા માટે જવાબદાર રહેશે.