લેખક-સાહિત્યકાર દિનકર જોષીને મળશે દર્શક અવૉર્ડ

21 May, 2022 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણીતા ગુજરાતી લેખક અને સાહિત્યકાર ૮૫ વર્ષના દિનકર જોષીની ૨૦૨૧ના દર્શક અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા સાત દાયકામાં દિનકર જોષીના ૧૬૫ જેટલા ગ્રંથ પ્રકાશિત થયા છે.

દિનકર જોશી


મુંબઈ : જાણીતા ગુજરાતી લેખક અને સાહિત્યકાર ૮૫ વર્ષના દિનકર જોષીની ૨૦૨૧ના દર્શક અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા સાત દાયકામાં દિનકર જોષીના ૧૬૫ જેટલા ગ્રંથ પ્રકાશિત થયા છે. નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગચિત્રો અને સંપાદનોના માધ્યમથી તેમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં બહુ મોટું યોગદાન પ્રદાન કર્યું છે. રામાયણ, મહાભારત અને વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોને તેમણે આધુનિક રીતે 
આલેખ્યા છે. 
મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન દ્વારા ૧૯૯૨થી સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનર્રચના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનારી વ્યક્તિ કે સંસ્થાને તેમણે કરેલા પ્રદાન માટે અવૉર્ડ આપવામાં આવે છે. 
મને એક મહિના પહેલાં ફોન પર દર્શક અવૉર્ડ માટે મારી પસંદગીની જાણકારી મળી હતી એમ જણાવતાં દિનકર જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ૮૫ વર્ષના જીવનમાં મને અનેક અવૉર્ડ મળ્યા અને ગયા છે. એવું પણ બન્યું હશે જ્યાં મને અમુક ખ્યાતનામ અવૉર્ડ નહીં પણ મળ્યા હોય. અવૉર્ડ મળવાથી એક માનવસહજ સંતોષ થાય, પણ અવૉર્ડ મળવાથી કોઈ પણ સાહિત્યકારનું સાહિત્યિક સર્જન કે સર્જનશક્તિ વધતી નથી. ચોક્કસ એનો આનંદ જરૂર હોય છે.’

mumbai news mumbai