23 July, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફટકા લૂંટ એટલે કે દરવાજામાં ઊભેલા મુસાફરોને લાકડીનો ફટકો મારીને તેમના હાથમાંથી ફોન વગેરે પડાવી લેવા માટેના હુમલાનો ભોગ બનેલી કલ્યાણની દ્રવિતા સિંહને ૮ વર્ષ બાદ તેનાં અંગો ગુમાવવા બદલ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા ફક્ત ૪.૨ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે રેલવે ટ્રિબ્યુનલના આ આદેશને દ્રવિતા સિંહના પિતા હેમંત કુમારે આવકાર્યો હતો. આ ઉપરાંત હેમંત કુમારે આ કેસની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં હજી ચાલી રહી હોવા બાબતે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની ૭મી ફેબ્રુઆરીએ દ્રવિતા સિંહ સૅન્ડહર્સ્ટ રોડ અને અને મસ્જિદ દરમ્યાન પ્રવાસ કરી રહી હતી ત્યારે એક લૂંટારાએ લાકડી વડે તેના પર હુમલો કર્યો હતો. દરવાજા પર ઊભેલી દ્રવિતા હુમલાના કારણે ટ્રેનની બહાર પડી ગઈ હતી અને સામેથી આવતી ટ્રેનના કારણે તેના હાથની ત્રણ આંગણીઓ, અંગૂઠો અને અને જમણા પગનો અમુક ભાગ પણ કપાઈ ગયો હતો.
અગાઉ રેલવેએ દાવો નકાર્યો હતો
૨૦૧૮માં કરવામાં આવેલા દાવાનો રેલવે-પ્રશાસન દ્વારા વિરોધ કરાયો હતો જેમાં દ્રવિતા ફુટબોર્ડ પર ઊભી રહી ફોન પર વાત કરતી હોવાનું બહાનું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલવેને તેની પાસેથી કોઈ ટિકિટ પણ ન મળી હોવાની દલીલ કરવામાં આવી હતી.