27 July, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓમકાર પરબ સોશ્યલ મીડિયા પર મૂકેલા વિડિયોનો ગ્રૅબ
ખિસ્સામાં પચાસ ગ્રામ પાઉડર નાખીને ફસાવી દેવાની ધમકી આપનાર મુંબઈ પોલીસના કર્મચારીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ પ્રશાસન દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે હવે આ મામલે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. એ સમયે પોલીસની ગાડીમાં બેઠેલા ૪ યુવકમાંથી એક ઓમકાર પરબે સોશ્યલ મીડિયામાં આ ઘટના પાછળનું સાચું સત્ય રજૂ કર્યું હતું. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘તે પોલીસકાકા દેખાય છે એટલા ખરાબ નહોતા. આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ-પ્રશાસનને વિનંતી છે કે તેમને વધુ સમય માટે સસ્પેન્ડ ન કરવામાં આવે.’
એટલું જ નહીં, વિડિયો તૈયાર કરનાર હર્ષવર્ધન કદમે પણ કૉન્સ્ટેબલની સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર વૉર્નિંગ આપીને તેને ફરી એક મોકો આપવામાં આવે એવી રજૂઆત કરી છે.
જોગેશ્વરીમાં રહેતા ઓમકાર પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે સાંજે સાડાચાર વાગ્યે હું અને મારા મિત્રો વિરોધ-પ્રદર્શનમાં પહોંચ્યા હતા, જ્યાં વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ એકઠા થતાં પોલીસ દ્વારા તમામ સ્ટુડન્ટ્સને ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમ્યાન ત્યાંથી પસાર થતી પોલીસ-વૅનમાં મારી સાથે અન્ય ૩ લોકોને બેસાડીને પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. શરૂઆતમાં ખૂબ જ ગરમી થતાં અમે કાર ચલાવી રહેલા પોલીસ-કૉન્સ્ટેબલને વિનંતી કરતાં જ તેમણે અમારા માટે AC ચાલુ કરી દીધું હતું. એટલું જ નહીં, મારી સાથે બેસેલા લોકોને મ્યુઝિક સાંભળવાનું મન થતાં મ્યુઝિક પણ વગાડવા દીધું હતું. ત્યાર બાદ થોડી વાર કારમાં ફેરવીને અમને ચેતવણી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અમે ફરી આંદોલનમાં પાછા ન જઈએ એ માટે તેમણે માત્ર ધમકાવવાના હેતુથી જ પચાસ ગ્રામ પાઉડર મૂકવાની વાત કરી હતી, પરંતુ વાસ્તવમાં તે ખૂબ જ સારા માણસ હતા અને તેમણે અમારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી હતી. એ વિડિયો વાઇરલ થયા બાદ મેં જોયું કે સોશ્યલ મીડિયા પર લોકો તે પોલીસ અને તેમના પરિવાર વિશે ખૂબ જ ખરાબ કમેન્ટ્સ કરી રહ્યા હતા. આ જોઈને મને લાગ્યું કે લોકો સામે માત્ર એક જ બાજુ રજૂ થઈ છે. તેથી મેં એ દિવસની બીજી બાજુ નાગરિકો સામે મૂકવાનો નિર્ણય કર્યો અને સોશ્યલ મીડિયામાં સરકાર અને પોલીસના સિનિયર અધિકારીઓને એટલી જ વિનંતી કરી છે કે તેઓ એ પોલીસ-કર્મચારી સામે આકરાં પગલાં ન લઈને માત્ર વૉર્નિંગ આપીને મામલો આટોપી લે. મુંબઈમાં ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે અને આ તહેવાર દરમ્યાન ભારે ભીડ હોય છે. ગણેશોત્સવના સમયે મુંબઈ પોલીસ હંમેશાં નાગરિકોની સુરક્ષા માટે મદદરૂપ સાબિત થાય છે એટલે તેમની જરૂર પડશે.’
ઉલ્હાસનગરમાં રહેતા હર્ષવર્ધન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ પોલીસની ખૂબ જ બદનામી થઈ રહી છે અને અમને ધમકાવનાર પોલીસ-કર્મચારી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ઓમકારને હું પર્સનલી નથી ઓળખતો, પણ તેણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલો વિડિયો મેં પણ મારા સ્ટેટસમાં રાખ્યો છે. તેની વાત સાથે હું સહેમત છું.’
ઉલ્લેખનીય છે કે ઓમકાર પરબનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને તે હાલમાં એક કંપનીમાં ફ્રીલાન્સ નોકરી કરી રહ્યો છે. તે પોતાના મિત્રોને સપોર્ટ કરવા શિવાજી પાર્ક ગયો હતો. હર્ષવર્ધન પણ કલ્યાણની કૉલેજમાં કૉમર્સનો અભ્યાસ કરે છે. તે પણ પોતાના અન્ય મિત્રોને સપોર્ટ કરવા શિવાજી પાર્ક ગયો હતો.