અખતરો બની ગયો ખતરો

19 August, 2022 09:59 AM IST  |  Mumbai | Mehul Jethva

ઑનલાઇન ઍપ્લિકેશનની જાહેરાત જોઈને ઝવેરી બજારના ગુજરાતી વેપારીએ એ ડાઉનલોડ કરી અને એમાં પોતાની માહિતી ભરી એ પછી મુસીબત શરૂ થઈ : પૈસા ન આપતાં ઑનલાઇન ઍપના રિકવરી એજન્ટોએ તેની પત્નીના ફોટો મૉર્ફ કરીને વાઇરલ કર્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઝવેરી બજારના એક ગુજરાતી વેપારીએ સોશ્યલ મીડિયા પર લોન આપતી ઑનલાઇન ઍપ્લિકેશનની જાહેરાત જોઈ હતી. એ પછી માત્ર અખતરો કરવા માટે તેણે ઍપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને એમાં પોતાની માહિતી પણ ભરી હતી. એ પછી એકાએક તેના બૅન્ક-અકાઉન્ટમાં ૨૭૦૦ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પછી ઍપ્લિકેશનના રિકવરી એજન્ટોએ ધમકાવીને વેપારી પાસેથી ૫૦૦૦ રૂપિયા વસૂલ કર્યા હતા. એ પછી પણ વધુ પૈસાની માગણી કરવામાં આવતી હોવાથી વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. એટલે રિકવરી એજન્ટોએ વેપારીનો મોબાઇલ હૅક કરી તેની પત્નીના ફોટો મૉર્ફ કરીને નગ્ન ફોટો તેના જ સંબંધીઓ અને મિત્રોને મોકલી આપ્યા હતા. અંતે વેપારીએ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 
હતી.

મૂળ દ્વારકા ગામના અને હાલમાં ઝવેરી બજારમાં વ્યવસાય કરતા વેપારી કમલેશે (નામ બદલ્યું છે) કરેલી ફરિયાદ અનુસાર ૮ ઑગસ્ટે તે સોશ્યલ મીડિયા પર સ્ક્રૉલિંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન પર્સનલ લોનની જાહેરાત જોઈ હતી. એટલે માત્ર અખતરો કરવા માટે તેણે ઍપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. એમાં તેણે પોતાની તમામ માહિતી ભરી હતી. એની સાથે ઍપ્લિકેશનમાં પોતાના મોબાઇલનું ઍક્સેસ પણ આપ્યું હતું. એ પછી થોડી વારમાં એકાએક તેના અકાઉન્ટમાં ૨૭૦૦ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.

૧૫ ઑગસ્ટે એક રિકવરી એજન્ટનો તેને ફોન આવ્યો હતો, જેણે ધમકી આપતાં કહ્યું હતું કે જો તમે પૈસા નહીં ભરો તો તમારા પર ઍક્શન લેવામાં આવશે. અંતે તેણે વેપારી પાસેથી ૫૦૦૦ રૂપિયા જબરદસ્તી ભરાવી લીધા હતા. એના એક દિવસ પછી બીજા રિકવરી એજન્ટનો ફોન આવ્યો હતો, જેણે ફરી એક વાર ૫૦૦૦ રૂપિયા ભરવા કહ્યું હતું. વેપારીએ એ ભરવાનો ઇનકાર કરતાં રિકવરી એજન્ટે વેપારીની પત્નીનો ફેસ-ફોટો નગ્ન મહિલાઓના બૉડી-પાર્ટ્સ સાથે જોડીને વેપારીના સંબંધીઓ અને મિત્રોને મોકલી આપ્યા હતા.

એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં વેપારીને ભારે આઘાત લાગ્યો છે. તેની પત્નીના ફોટો વાઇરલ થતાં તે પરેશાનીમાં મુકાઈ ગયો છે. અમે જે નંબરથી ફોટો વાઇરલ કરવામાં આવ્યા છે એની તપાસ કરી રહ્યા છીએ. એ સાથે ઍપ્લિકેશનની માહિતી કાઢવા માટે સાઇબર વિભાગની મદદ લેવામાં આવી રહી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mehul jethva