28 February, 2026 10:55 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
થોડા દિવસ પહેલાં ગામિની નામની ચિત્તાએ કુનો નૅશનલ પાર્કમાં ૩ બચ્ચાંને જન્મ આપ્યો હોવાના સમાચાર હતા, પરંતુ ગઈ કાલે નૅશનલ પાર્કે જણાવ્યું હતું કે ગામિનીએ ૪ બચ્ચાંને જન્મ આપ્યો હતો. ચારેય બચ્ચાંનો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે.
મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં રહેતા ચિત્તાઓને એક વર્ષમાં મટનનું જે ભોજન કરાવવામાં આવે છે એમાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે એવા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ચિત્તાઓ માટે બકરાનું માંસ ખરીદવા માટે ૧,૨૭,૧૦,૮૭૦ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યા બાદ સરકાર દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
કૉન્ગ્રેસના વિધાનસભ્ય મુકેશ મલ્હોત્રાએ વિધાનસભામાં કુનોમાં ચિત્તાઓ માટે વાર્ષિક ખર્ચ અને દરરોજ કેટલી બકરીઓને ખવડાવવામાં આવે છે એ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે આ મુદ્દે મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે સ્પષ્ટતા કરી હતી કે ‘ચિત્તાઓ માટે કોઈ ખાસ બજેટ રાખવામાં આવતું નથી. મૅનેજમેન્ટ, દેખભાળ અને અન્ય કાર્યક્રમો હેઠળ પૂરા પાડવામાં આવતા ભંડોળનો ઉપયોગ ખોરાક અને અન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે થાય છે. આમાં ૧.૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. દરરોજ આપવામાં આવતા બકરાની સંખ્યા માટે કોઈ નિર્ધારિત ધોરણ નથી. ચિત્તાઓની ઉંમર, સ્વાસ્થ્ય અને પ્રવૃત્તિના આધારે જરૂરિયાત મુજબ માંસ પૂરું પાડવામાં આવે છે.’
‘પ્રોજેક્ટ ચિત્તા’ અંતર્ગત ગઈ કાલે આફ્રિકાના બોટ્સ્વાનાથી ૮ ચિત્તાઓની એક ખેપ ભારત આવવા રવાના થઈ ગઈ છે. આજે સવારે છ માદા અને બે નર ચિત્તા મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્ક પહોંચશે. આ બૅચના આગમન સાથે ચિત્તાઓની સંખ્યા ૪૭ થશે. નવા મહેમાનોનું સ્વાગત મુખ્ય પ્રધાન મોહન યાદવ અને કેન્દ્રીય પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવ કરશે.