14 September, 2025 09:22 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી માનવતાને હચમચાવી દે એક ઘટના પ્રકાશમાં આવી છે. જૈતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌહરવાર ગામ પાસેના ખેતરમાં 10 દિવસની એક માસૂમ બાળકીને જીવતી દાટી દેવામાં આવી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને, પશુઓ ચરાવતા ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને તેને ખાડામાંથી બહાર કાઢીને તેનો જીવ બચી ગયો હતો.
ગ્રામજનોએ જણાવ્યું કે ખેતર નજીકથી પસાર થતી વખતે તેમને એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે તેમણે જોયું કે ખાડામાં દટાયેલી એક બાળકીનો હાથ બહાર નીકળી રહ્યો હતો અને બાકીનો શરીર માટીમાં દટાયેલું હતું. આ દ્રશ્ય જોઈને ગ્રામજનો દંગ રહી ગયા. તેમણે તાત્કાલિક બાળકીને માટીમાંથી બહાર કાઢી અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
માહિતી મળતાં પોલીસે બાળકીને જૈતીપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) મોકલી. ત્યાંના ઇન્ચાર્જ ડૉક્ટર નીતિન સિંહે જણાવ્યું કે બાળકીને સવારે 10:30 વાગ્યે હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેના શરીર પર કાદવ હતો અને તેના હાથ પર બ્રોન ક્રોમાઇટ કાદવ ચોંટેલો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને બાળકીને હાઈપોથર્મિયાથી બચાવ્યા બાદ, તેને વધુ સારી સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, બાળકીની હાલત હાલમાં સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે.
હાલમાં, બાળકી અને તેના પરિવારની ઓળખ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જૈતપુર પોલીસ સ્ટેશનનું કહેવું છે કે બાળકીને કોણે અને શા માટે આ સ્થિતિમાં આવી ક્રૂર રીતે ત્યજી દીધી હતી તે મામલે વધુ તપાસ કરવામાં આવી આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકીને જીવતી દફનાવી દેવાની ઘટના માનવતા માટે અત્યંત નિંદનીય અને શરમજનક છે. ગ્રામજનોએ બાળકીને બચાવનારા લોકોને હીરો કહ્યા. તે જ સમયે, પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીના પરિવારને શોધવા અને ગુનેગારોને પકડવા માટે દરેક પાસાંથી તપાસ કરવામાં આવી રહી છે.
તું આ દેશની નથી, તારા દેશમાં પાછી જા
બ્રિટનના શહેર ઓલ્ડબરીમાં મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યે ટેમ રોડ પર બે પુરુષોએ ૨૦ વર્ષની સિખ મહિલા પર બળાત્કાર કર્યો હતો. દુષ્કર્મ કર્યા બાદ તેમણે જાતિવાદી કમેન્ટ કરીને યુવતીને તેના દેશમાં પાછા ચાલ્યા જવાની ધમકી આપી હતી. બળાત્કાર કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસ આરોપીઓને શોધી રહી છે. કેસની ફૉરેન્સિક તપાસ પણ ચાલી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક સિખ સમુદાયના લોકોમાં ગુસ્સો છે. જેના પર બળાત્કાર થયો હતો તે યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ બ્રિટિશ હતા.