07 August, 2026 10:26 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
અધિકારીઓના જણાવ્યા અનુસાર પાંચ વર્ષ પહેલાં પચાસથી ૬૦ સ્થાનિક આતંકવાદીઓ સક્રિય હતા
જમ્મુ-કાશ્મીરમાં હવે માત્ર એક જ સ્થાનિક આતંકવાદી સક્રિય બચ્યો હોવાનો સત્તાવાર વિગતોમાં ખુલાસો થયો છે. સુરક્ષા-એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના રેકૉર્ડ અનુસાર કુલગામના રહેવાસી લશ્કર-એ-તય્યબા (LeT)ના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે. શ્રીનગરના પ્રેસ એન્ક્લેવ સહિતના મહત્ત્વના વિસ્તારોમાં તેનાં વૉન્ટેડનાં પોસ્ટરો લગાવીને સચોટ માહિતી આપનાર માટે ૧૫ લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પાંચ વર્ષ પહેલાં પચાસથી ૬૦ સ્થાનિક આતંકવાદીઓ સક્રિય હતા. ટેરર-ફન્ડિંગ અને નાર્કો-ટેરરિઝમ પર નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કડક કાર્યવાહીના પરિણામે સ્થાનિક ભરતી સાવ ઠપ થઈ ગઈ છે. જોકે સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં હજી પણ ચાલીસથી ૫૦ વિદેશી આતંકવાદીઓ સક્રિય છે.
મોહમ્મદ લતીફ ભટ તાજેતરમાં બાવીસ જુલાઈએ હેડ કૉન્સ્ટેબલ અને બે પરપ્રાંતીય શ્રમિકોના શૂટઆઉટ ઉપરાંત ચાલુ અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવવાની યોજનામાં મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા છે.