લખનઉમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થલના પાર્કિંગ પાસે ૧૭૦ ઘેટાં તડપી-તડપીને મરી ગયાં, ૨૦૦+ બીમાર

30 December, 2025 10:55 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કોઈ કહે છે ૨૫ ડિસેમ્બરે થયેલા કાર્યક્રમનું બચેલું અને ફેંકી દેવાયેલું ભોજન ખાવાથી મોત થયું તો કોઈ કહે છે નજીકના ખેતરમાં શિંગોડાની ખેતીમાં ઝેરી દવાને કારણે જીવ ગયો, મૃત ઘેટાંના પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ પરથી સાચી ખબર પડશે

ઘેટાં મૃત અવસ્થામાં

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વસંતકુંજ પાસે આવેલા રાષ્ટ્ર પ્રેરણા સ્થલના પાર્કિંગમાં ગઈ કાલે સવારે લગભગ ૧૭૦ ઘેટાં મૃત અવસ્થામાં અહીં-તહીં પડેલાં જોવા મળ્યાં હતાં. એ ઉપરાંત ૨૦૦ ઘેટાંની હાલત એટલી ખરાબ છે કે તેઓ હલી પણ નથી શકતા. શંકાસ્પદ સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં ઘેટાંઓનું મૃત્યુ એક રહસ્ય બની ગયું છે. આ ઘેટાં ૪ ભરવાડોનાં છે જેઓ ફતેહપુરથી આવ્યા હતા. ઘેટાના એક માલિકે કહ્યું હતું કે ‘અમારાં ઘેટાંની તબિયત રાતે જ ખરાબ થવાની શરૂ થઈ ગઈ હતી. અમે તેમને દેશી દવા ખવડાવવાની કોશિશ કરી, પણ કંઈ કામ ન આવ્યું. ખૂબ તડપી-તડપીને મારાં ઘેટાં મરી ગયાં.’

કેટલાક લોકોનું કહેવું છે કે ૨૫ ડિસેમ્બરે રાષ્ટ્ર પ્રેરણા સ્થલનો ઉદ્ઘાટન-સમારોહ થયો એ પછી વધેલું ખાવાનું અહીં એમ જ ફેંકી દેવામાં આવેલું. કદાચ એ વાસી અને સડી ગયેલું ભોજન ખાવાથી ઘેટાં મરી ગયાં હશે. પૂરીભાજી જેવા ખાદ્યપદાર્થો ખાવાથી ઘેટાંની તબિયત બગડી હતી એવું કેટલાક ભરવાડોનું કહેવું છે. તો બીજી તરફ કેટલાક લોકો નજીકમાં આવેલા તળાવના પાણીને જવાબદાર ગણાવે છે. નજીકના ખેતરમાં શિંગોડાની ખેતીમાં છાંટવા માટે મોટી માત્રામાં રાસાયણિક દવા તળાવમાં નાખીને એ પાણી છાંટવામાં આવ્યું હતું. કદાચ આ દવાવાળું પાણી પીને ઘેટાંની તબિયત ખરાબ હોઈ શકે છે.

ઘટનાની સૂચના મળતાં જ નગરપાલિકાના ઝોનલ અધિકારી અમરજિત સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ઘટનાસ્થળેથી કોઈ ખાવાની ચીજો મળી નથી જેનાથી ખબર પડે કે શું ખાવાથી ઘેટાંનો જીવ ગયો હશે. ઘેટાંના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવશે. એના રિપોર્ટ પછી જ સાચું કારણ ખબર પડશે.’

national news india lucknow uttar pradesh Crime News wildlife