16 September, 2026 09:24 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પકડાયેલી ગૅન્ગ.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે ૨૦ રૂપિયાના નકલી સિક્કા બનાવતી આંતરરાજ્ય ગૅન્ગનો પર્દાફાશ કરીને માસ્ટરમાઇન્ડ સહિત પાંચ લોકોની રવિવારે ધરપકડ કરી હતી. આ ગૅન્ગે અત્યાર સુધીમાં બજારમાં ૭૦ કરોડ રૂપિયાના નકલી સિક્કા ઘુસાડ્યા હોવાનો અંદાજ છે. પોલીસે મુખ્ય આરોપી ઉપકાર લુથરા અને અન્ય ચાર પાસેથી ૧.૨૮ લાખ રૂપિયાની કિંમતના ૨૦ રૂપિયાના ૬૪૦૦ નકલી સિક્કા અને સિક્કા બનાવવાનાં ૬ મશીનો જપ્ત કર્યાં છે.
પોલીસતપાસમાં તેમની મોડસ ઑપરૅન્ડીનો ખુલાસો થયો હતો. આરોપીઓ એક સિક્કો બનાવવા પાછળ પાંચથી ૬ રૂપિયાનો ખર્ચ કરતા હતા અને ત્યાર બાદ એજન્ટોને બારથી ૧૫ રૂપિયામાં વેચતા હતા. આ નકલી સિક્કાઓને કમિશનના આધારે ખાસ કરીને દારૂની દુકાનો, ટોલ-પ્લાઝા અને કરિયાણાની દુકાનો મારફત બજારમાં ફરતા કરવામાં આવતા હતા. માસ્ટરમાઇન્ડ ઉપકારની મુલાકાત તિહાડ જેલમાં અન્ય આરોપી સાથે થઈ હતી જ્યાં તેમણે આ નેટવર્કનો પાયો નાખ્યો હતો.
આ ગૅન્ગ રોજના દસથી ૧૨ હજાર સિક્કા બનાવવાની ક્ષમતા ધરાવતી હતી અને ઉત્તર પ્રદેશ, પંજાબ તથા બિહારમાં સક્રિય હતી. ઉલ્લેખનીય છે કે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ જિલ્લાની એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાંથી ૧૭.૨૯ કરોડ રૂપિયાની નકલી નોટો મળવાના અગાઉના કેસની તપાસ કરી રહી છે.