સ્પોર્ટ્‍સ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતનું માર્કેટિંગ સ્વિટ્ઝરલૅન્ડમાં

02 July, 2025 11:09 AM IST  |  Switzerland | Gujarati Mid-day Correspondent

ગુજરાતના રમતગમત પ્રધાન હર્ષ સંઘવી, ભારતીય ઑલિમ્પિક અસોસિએશનનાં પ્રમુખ પી. ટી. ઉષા સહિતના અધિકારીઓએ સ્વિટ્ઝરલૅન્ડ જઈને વિશ્વકક્ષાનાં રમતગમત પ્રતિનિધિમંડળો સાથે કરી બેઠક

હર્ષ સંઘવી સહિત અધિકારીઓએ બેઠક યોજી હતી.

૨૦૩૬માં યોજાનારી ઑલિમ્પિક્સની રમત ગુજરાત સહિત ભારતમાં રમાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પ્રયાસ હાથ ધરાયા છે અને અમદાવાદમાં ઑલિમ્પિક્સને અનુરૂપ સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત સહિત ભારતને ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજરાતના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં સ્પોર્ટ્‍સના અધિકારીઓએ સ્વિટ્ઝરલૅન્ડમાં ગુજરાતના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક બેઠકો યોજીને સ્પોર્ટ્‍સ ઇવેન્ટના ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ક્ષમતા દર્શાવી હતી.

હર્ષ સંઘવી ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશનનાં પ્રમુખ પી. ટી. ઉષા તથા અન્ય અધિકારીઓના પ્રતિનિધિમંડળે સ્વિટ્ઝરલૅન્ડના લૌઝેન સિટીમાં વિશ્વકક્ષાનાં રમતગમત પ્રતિનિધિમંડળો સાથે બેઠક કરી હતી. પ્રતિનિધિમંડળ દ્વારા વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠન સ્પોર્ટઍકોર્ડના હોદેદારો સાથે બેઠક કરીને એક અગ્રણી રમતગમત ઇવેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ક્ષમતા દર્શાવવામાં આવી હતી. તેમ જ આંતરરાષ્ટ્રીય રમતગમત ટુર્નામેન્ટ પ્રેઝન્ટેશન્સ સહિત આ ક્ષેત્રમાં વિકાસ માટેની વિવિધ તકો વિશે ચર્ચા કરી હતી. એ ઉપરાંત અસોસિએશન ઑફ નૅશનલ ઑલિમ્પિક્સ કમિટીની ટીમ સાથે મુલાકાત કરીને ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યોમાં સ્પોર્ટ્‍સ ઇવેન્ટનું આયોજન કરવા માટેની સંભવિત તકોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં રમતગમત માળખાં અને ગુજરાતની અસ્મિતા અને આતિથ્યને પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. પ્રતિનિધિમંડળે આંતરરાષ્ટ્રીય વૉલીબૉલ ફેડરેશન સાથે વિવિધ ટુર્નામેન્ટ્સના આયોજન અને વૉલીબૉલ રમતના વિકાસ માટેની તકો વિશે ચર્ચા કરી હતી.

switzerland Olympics sports news sports india narendra modi stadium harsh sanghavi narendra modi gujarat