07 January, 2026 07:47 AM IST | Mumbai | Shirish Vaktania
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી થવાની છે ત્યારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશનના ઑફિસરોએ છેલ્લા બે મહિનામાં વિદેશી નાગરિકતા ધરાવતા ૨૮ નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)ને તેઓ આઇડેન્ટિટી કાર્ડ તરીકે ભારતીય વોટર-કાર્ડ ધરાવતા હોવાથી તેમનાં કાર્ડ જપ્ત કરી લીધાં હતાં. ઇમિગ્રેશન ઑફિસર્સે જપ્ત કરેલાં એ વોટર-કાર્ડ્સની માહિતી ઇલેક્શન કમિશનને આપી હતી. ઇલેક્શન કમિશને હવે એ વોટર-કાર્ડ્સ કૅન્સલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. આ રીતે જે લોકો પકડાયા છે એમાં મોટા ભાગના કૅનેડા, અમેરિકા, નેપાલ અને ઑસ્ટ્રેલિયાની સિટિઝનશિપ ધરાવે છે. છેલ્લા બે મહિનાથી ઇમિગ્રેશન ઑફિસરો આ કાર્યવાહી કરી રહ્યા છે.
એક ઇમિગ્રેશન ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમારી ટીમ પાસપોર્ટ અને ઇમિગ્રેશનના ડૉક્યુમેન્ટ્સ ચેક કરતી હોય છે. અમે એ વખતે વોટર-કાર્ડ કૅરી કરતા NRIને ખાસ ચેક કરતા હોઈએ છીએ, કારણ કે તેઓ હવે ભારતના નાગરિક ન હોવાથી તેમને મત આપવાનો અધિકાર હોતો નથી.’
ઑફિસરના જણાવ્યા મુજબ ઘણા NRI ઇલેક્શન કમિશનને ખોટી માહિતી પૂરી પાડીને વોટર-કાર્ડ મેળવી લેતા હોય છે. સૂત્રોનું કહેવું હતું કે ‘ઘણા NRIના પરિવારના સભ્યો ભારતમાં જ રહેતા હોય છે એટલે તેઓ અવારનવાર વીઝા-ફ્રી અથવા લૉન્ગ ટર્મ વીઝા પર આવતા-જતા હોય છે. તેઓ ભારતીય વોટર-કાર્ડ મેળવવા તેમના સંબંધીઓનું ઍડ્રેસ આપીને અને તેઓ પણ ભારતીય નાગરિક છે એમ કહીને વોટર-કાર્ડ મેળવી લેતા હોય છે.’
અન્ય એક ઇમિગ્રેશન ઑફિસરે કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિનામાં ઑફિસરોએ NRI પૅસેન્જરોના ડૉક્યુમેન્ટ્સ તપાસતી વખતે અલગ-અલગ પ્રવાસીઓ પાસેથી ૨૮ વોટર-કાર્ડ જપ્ત કર્યાં હતાં. NRI વોટર-કાર્ડ ન રાખી શકે. જોકે તેમને આધાર કાર્ડ અને પૅન કાર્ડ રાખવાની છૂટ છે. આ લોકો તેઓ જે દેશના નાગરિક હોય ત્યાંનો તો મતાધિકાર ધરાવે છે અને ભારતમાં પણ મત આપવાની કોશિશ કરે છે જે ગંભીર ગુનો છે.’
ઇમિગ્રેશન ઑફિસરે વધુમાં કહ્યું હતું કે ‘ઇમિગ્રેશનની રૂટીન ચકાસણી દરમ્યાન ડૉક્યુમેન્ટ્સ ચેક કરતી વખતે ઘણા પ્રવાસીઓ વોટર-કાર્ડ આઇડેન્ટિટી કાર્ડ તરીકે આપતા હોય છે. એ વખતે તેમની નૅશનલિટીના ડૉક્યુમેન્ટ્સ ચેક કરી વેરિફાય કરીને જો તે NRI હોય તો વોટર-કાર્ડ જપ્ત કરી લેવામાં આવે છે.’
ઇમિગ્રેશન ઑથોરિટી આવા કેસની વિગતો ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા સેક્શન અને ઇલેક્શન કમિશનને આપે એ પછી એ વોટર-કાર્ડ કૅન્સલ કરવામાં આવે છે.