15 September, 2025 09:14 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદની એક પ્રાઇવેટ સ્કૂલની અંદર ડ્રગ બનાવવા માટે જરૂરી સાધનસામગ્રી, મશીનરી અને લૅબોરેટરી ગોઠવીને આખી ફૅક્ટરી ચલાવવામાં આવતી હતી.
તેલંગણના હૈદરાબાદમાં બોવેનપલ્લી વિસ્તારમાં આવેલી મેધા સ્કૂલ નામની એક પ્રાઇવેટ સ્કૂલની અંદર પોલીસની એલીટ ઍક્શન ગ્રુપ ફૉર ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ (EAGLE) ટીમે શનિવારે ડ્રગ-ફૅક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં સ્કૂલના ડિરેક્ટર સહિત ૩ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ફૅક્ટરીમાં તેલંગણમાં પ્રતિબંધિત ડ્રગ અલ્પ્રાઝોલમનું ઉત્પાદન થઈ રહ્યું હતું. પોલીસની ટીમે સ્થળ પરથી ૩.૫ કિલો અલ્પ્રાઝોલમ, ૪.૩ કિલો અર્ધતૈયાર અલ્પ્રાઝોલમ, ૨૧ લાખ રૂપિયા રોકડા, મોટી માત્રામાં કાચો માલ અને દવા બનાવવા માટે વપરાતાં સાધનો જપ્ત કર્યાં હતાં.
મેધા સ્કૂલના ડિરેક્ટર માલેલા જયપ્રકાશ ગૌડે અન્ય એક વ્યક્તિની મદદથી આ ફૅક્ટરી શરૂ કરી હતી. તે વ્યક્તિએ તેને અલ્પ્રાઝોલમ બનાવવાની ફૉર્મ્યુલા અને પદ્ધતિ જણાવી હતી. લાલચમાં આવીને જયપ્રકાશે સ્કૂલમાં આ યુનિટ સ્થાપ્યું હતું અને અનેક વિસ્તારોમાં તૈયાર દવા સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું.
બે માળની સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ક્લાસ લેવામાં આવતા હતા, જ્યારે સ્કૂલના બીજા માળના ક્લાસરૂમોને અલ્પ્રાઝોલમના ઉત્પાદન માટેની ફૅક્ટરીમાં રૂપાંતરિત કરી દેવાયા હતા. અલ્પ્રાઝોલમનો ઉપયોગ તાડી બનાવવા માટે થાય છે. આ ફૅક્ટરી લગભગ છ મહિનાથી કાર્યરત હતી. સોમવારથી શનિવાર છ દિવસ સુધી ફૅક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને રવિવારે એને બહાર લઈ જવામાં આવતું હતું. પોલીસે એક લૅબોરેટરી પણ શોધી કાઢી હતી જેમાં આઠ રીઍક્ટર અને ડ્રાયર્સ હતાં, જેમનો ઉપયોગ મોટા પાયે ડ્રગ-ઉત્પાદન માટે થાય છે.