૫૪માંથી ૩૦ આઇટમોમાં ધાર્યા કરતાં વધારે ભાવઘટાડો થયો

21 October, 2025 07:20 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જોકે કેટલીક ચીજોમાં અપેક્ષા કરતાં ઓછો ઘટાડો થયો છે. GSTના દરોમાં બાવીસ સપ્ટેમ્બરે ફેરફાર કર્યા પછી સરકારે કરેલી તપાસમાં આ બાબતો જણાઈ આવી છે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે બાવીસમી સપ્ટેમ્બરથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (GST)માં ઘટાડો કર્યો હતો. એ પછી છેલ્લા એક મહિનામાં ખરેખર ભાવ ઘટ્યા કે નહીં એની તપાસ કરવામાં આવી હતી. એ તપાસમાં રોજબરોજના વપરાશની ૫૪ જેટલી આઇટમોની ચકાસણી કરતાં એવું જણાઈ આવ્યું હતું કે એમાંની ૩૦ જેટલી આઇટમની કિંમતોમાં ધાર્યા કરતાં વધુ ઘટાડો નોંધાયો હતો. બાકીની આઇટમોમાં પણ એ ઘટાડો નોંધાય એ માટે કેન્દ્ર સરકાર એ ઇન્ડસ્ટ્રીઓ સાથે વાતચીત કરી રહી છે.

કેન્દ્ર સરકારે ૨૨ સપ્ટેમ્બરથી GSTમાં ઘટાડો કર્યા બાદ પોતાના GSTના ફીલ્ડ-ઑફિસરોને કહ્યું હતું કે રોજબરોજની ઘરવપરાશની ૫૪ ચીજો જેવી કે બટર, ઘી, પાઉડર, સાબુ અને અન્ય ચીજોના ખરેખર ભાવ ઘટ્યા કે નહીં એ ચેક કરવામાં આવે. ત્યાર બાદ સેન્ટ્રલ GSTના દેશભરના ૨૧ ઝોનમાંથી માહિતી કઢાવવામાં આવી હતી જેમાં ૨૪ આઇટમ જેમાં ઍર-કન્ડિશનર, ટીવી, ટમૅટો કેચપ, ચીઝ, સિમેન્ટમાં ધાર્યા કરતાં વધુ ભાવ ઘટ્યા હતા, જ્યારે બીજી ૨૪ આઇટમો જેવી કે નોટબુક, ચૉકલેટ્સ, હેરઑઇલ, ટૂથપેસ્ટ, પેન્સિલ, થર્મોમીટર અને સાઇકલના ભાવમાં ધાર્યા જેટલો ઘટાડો જણાયો નહોતો.

૨૨ સપ્ટેમ્બર પહેલાં GST ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા કલેક્ટ કરવામાં આવતો હતો. જોકે ૨૨ સપ્ટેમ્બર પછી ૫ અને ૧૮ ટકા અને ૪૦ ટકા લક્ઝરી આઇટમો પર GST વસૂલ કરવામાં આવે છે, જેના કારણે ૩૭૫ જેટલી આઇટમના ભાવમાં ઘટાડો થયો હતો જેમાં ટૂથપેસ્ટ અને શૅમ્પૂથી લઈને કાર ને ટીવી સુધીની આઇટમનો સમાવેશ થતો હતો. 

GSTમાં ઘટાડો થયા બાદ સંવેદનશીલ આઇટમ, ફૂડ-આઇટમોની ઍવરેજ પ્રાઇસમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ડ્રાયફ્રૂટ્સ, ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક, જૅમ, ટમૅટો કેચપ, સોયા મિલ્ક ડ્રિન્ક અને પીવાના પાણીની બૉટલ (૨૦ લીટર)માં ઘટાડો જોવા મળ્યો હતો. પહેલાં આ આઇટમો પર ૧૨ ટકા GST લેવામાં આવતો હતો જે ૨૨ સપ્ટેમ્બરથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો હતો. બટરના ભાવ હજી પણ ઘટી શકે એમ છે. અલગ-અલગ ટાઇપના બટર પહેલાં ૧૨-૧૮ ટકા GST સ્લૅબમાં હતાં, હવે એનો સ્લૅબ ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે. સરકારનું માનવું હતું કે આ ફેરફારના કારણે અંદાજે ૬.૨૫ ટકાથી લઈને ૧૧.૦૨ ટકા સુધી ભાવ ઓછા થવા જોઈએ, પણ ખરેખર એના ભાવ ૬.૪૭ ટકા જ ઓછા થયા છે. એથી એમાં હજી કઈ રીતે ભાવ ઘટાડી શકાય એ માટે પ્રયાસ કરવામાં આવશે.

દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘GSTમાં જે ઘટાડો કરાયો એનો લાભ હવે કસ્ટમરોને ભાવઘટાડા દ્વારા મળી રહ્યો છે. જે આઇટમોમાં ભાવ જોઈએ એવા ઘટ્યા નથી એ વિશે તેમણે કહ્યું હતું કે ‘એના ભાવ હજી થોડા નીચે લાવવા અમે એ કંપનીઓ સાથે વાત કરીશું.’

ભાવઘટાડો : ક્યાંક અપેક્ષાથી વધુ, ક્યાંક ઓછો
જે આઇટમના ભાવ ધાર્યા કરતાં ઓછા ઘટ્યા છે એમાં ઘી, ચૉકલેટ્સ, બિસ્કિટ ઍન્ડ કુકીઝ, કૉર્નફ્લેક્સ, આઇસક્રીમ અને કેક, હેરઑઇલ, ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ અને આફ્ટરશેવ લોશનનો સમાવેશ થાય છે. શૅમ્પૂ, ટૂથબ્રશ, ટૅલ્કમ પાઉડર અને ફેસ-પાઉડરના ભાવ ધાર્યા કરતાં વધુ ઘટ્યા હતા. એ જ રીતે ચશ્માં, કૉન્ટૅક્ટ લેન્સ, જ્યોમેટ્રી બૉક્સ, કલર બૉક્સ, ઇરેઝર, ઍર-કન્ડિશનર અને ટીવી સેટ, ટેબલ ઍન્ડ કિચનવેઅરનાં સાધનોમાં ધાર્યા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે એક્સરસાઇઝ બુક અને નોટબુક, પેન્સિલ, ક્રેયોન, શાર્પનર, થર્મોમીટરનો ભાવઘટાડો અપેક્ષા કરતાં ઓછો રહ્યો છે.

national news india goods and services tax indian government bharatiya janata party finance news finance ministry nirmala sitharaman