દિલ્હીમાં ચાલતો કરોડોનો બિઝનેસ છોડીને ૩૦ વર્ષના યુવકે લીધી દીક્ષા

05 December, 2025 11:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૩૦ વર્ષના હર્ષિત જૈને દીક્ષા લઈને સંયમ અને આધ્યાત્મિક જીવનનો માર્ગ અપનાવી લીધો છે.

હર્ષિત જૈન

મૂળ ઉત્તર પ્રદેશના બાગપતના અને દિલ્હીમાં કપડાંનો કરોડો રૂપિયાનો બિઝનેસ ધરાવતા ૩૦ વર્ષના હર્ષિત જૈને દીક્ષા લઈને સંયમ અને આધ્યાત્મિક જીવનનો માર્ગ અપનાવી લીધો છે.

કોરોનાના સમયમાં તેને સંસારની નશ્વરતાનો બહુ નજીકથી અનુભવ થતાં તેણે દીક્ષા લઈને મુનિ બનવાનો નિર્ણય લીધો હતો. બાગપતના બામનૌલી જૈન મંદિરમાં થયેલા ભવ્ય તિલક સમારોહમાં હર્ષિત સાથે બીજા બે યુવાનોએ પણ સંસાર ત્યાગીને અધ્યાત્મનો રસ્તો લીધો હતો. હર્ષિત પરિવારનો સૌથી નાનો દીકરો છે. તેના પિતા સુરેશ જૈન દિલ્હીમાં ઇલે‌ક્ટ્રિકલ ડિવાઇસના મોટા વેપારી છે અને માતા સવિતા જૈન ગૃહિણી છે. મોટો ભાઈ સંયમ જૈન ડૉક્ટર છે. 

હર્ષિતે એન્જિનિયરિંગનું ભણતર પૂરું કરીને દિલ્હીના ચાંદની ચોકમાં કપડાંનો વેપાર શરૂ કર્યો હતો અને નાની ઉંમરમાં જ બિઝનેસને કરોડોના ટર્નઓવરમાં તબદીલ કરી દીધો હતો. હર્ષિતનું કહેવું છે કે ‘કોવિડ દરમ્યાન મેં માણસોને પોતાના લોકોથી દૂર થતા જોયા. કોઈ બીજાને હાથ અડાડવાથી પણ ડરતું હતું. એ જોઈને મારા આત્માને ચોટ પહોંચી અને અહેસાસ થયો કે કોઈ કોઈનું નથી. એ પછી ગુરુદેવની પ્રેરણાથી મોહમાયા ત્યાગીને સંયમની રાહ પર આગળ વધવાનું નક્કી કર્યું છે.’

national news india jain community delhi news new delhi uttar pradesh