18 March, 2026 10:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ પર કેસોનું ભારણ સતત વધી રહ્યું છે. કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ સુપ્રીમ કોર્ટમાં હાલ ૩૫૦૦થી વધુ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પડતર છે, જેમાંથી સૌથી જૂની અરજી છેલ્લાં ૪૨ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહી છે અને એનો નિકાલ હજી સુધી આવ્યો નથી.
સુપ્રીમ કોર્ટમાં કુલ કેસોની સંખ્યા ૮૦,૦૦૦ને વટાવી ગઈ છે, જેમાં ૩૫૨૫ PILનો સમાવેશ થાય છે. લગભગ ૬૯૮ જેટલી PIL છેલ્લાં ૧૦ વર્ષથી વધુ સમયથી પડતર છે જેમાં સૌથી જૂની અરજી છેક ૧૯૮૪ની એટલે કે ૪૨ વર્ષ જૂની છે.
૧૯૮૪ અને ૧૯૮૫થી પડતર સૌથી જૂની તમામ ત્રણેય અરજીઓ જાણીતા પર્યાવરણવિદ એમ. સી. મહેતા દ્વારા દાખલ કરવામાં આવી છે જે પર્યાવરણ અને સુધરાઈના કાયદાઓ સાથે સંબંધિત છે.
૨૦૨૫માં સૌથી વધુ ૫૭૦ નવી PIL દાખલ કરવામાં આવી હતી, જેના કારણે અદાલતોના કામનું ભારણ વધી જવા પામ્યું છે.
કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મોટા ભાગની PIL પર્યાવરણ, જમીન-કાયદા અને કૃષિ-ભાડૂત બાબતો સાથે સંબંધિત છે. છેલ્લાં પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટ ૧૮૭૨ PILનો નિકાલ કર્યો છે, પરંતુ નવી અરજીઓના સતત વધતા પ્રવાહ સામે નિકાલ કરાયેલી અરજીઓની સંખ્યા અપૂરતી સાબિત થઈ રહી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અત્યારે એના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સંગઠને પાછલા એક વર્ષમાં પોતાની શક્તિમાં અભૂતપૂર્વ વધારો કર્યો હોવાના આંકડા સામે આવ્યા છે. હરિયાણાના સમાલખામાં યોજાયેલી સંઘની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં રજૂ થયેલા વાર્ષિક અહેવાલ મુજબ સંઘે દેશભરનાં ૩ લાખથી વધુ ગામડાંઓમાં ૧૦ કરોડ પરિવારોનો સીધો સંપર્ક સાધ્યો હોવા ઉપરાંત પાયાના સ્તરે શાખાઓનું જાળું પણ મજબૂત કર્યું છે. એક જ વર્ષમાં આશરે ૬૦૦૦ નવી દૈનિક શાખાઓ ઉમેરાઈ છે, ગયા વર્ષે દૈનિક શાખાઓની સંખ્યા ૮૩,૧૨૯ હતી જે હવે વધીને ૮૮,૯૪૯ પર પહોંચી જવાની સાથે દેશભરમાં હવે કુલ ૫૫,૬૮૩ સ્થળોએ સંઘની પ્રત્યક્ષ હાજરી છે.