25 November, 2025 07:20 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ડૉક્ટર રોહિણી
હૈદરાબાદમાં ૩૮ વર્ષની મહિલા ડૉક્ટર રોહિણીને અમેરિકાના વીઝા ન મળતાં તેણે પોતાના ફ્લૅટમાં આત્મહત્યા કરી લીધી હતી. રશિયાના કિર્ગીઝસ્તાનમાં ૨૦૦૫થી ૨૦૧૦ સુધીના સમયગાળામાં બૅચલર ઑફ મેડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS)ની ડિગ્રી મેળવનારી આ મહિલા ડૉક્ટરે લગ્ન નહોતાં કર્યાં અને તે ઇન્ટર્નલ મેડિસિનનો અભ્યાસ કરવા અમેરિકા જવા માગતી હતી.
તેના ફ્લૅટમાંથી એક સુસાઇડ-નોટ મળી હતી, જેમાં અમેરિકાના વીઝા રિજેક્ટ થવાને કારણે તે આ અંતિમ પગલું ભરી રહી હોવાનું જણાવાયું હતું. આ મહિલા ડૉક્ટર ઘણા સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી.
ડૉ. રોહિણીએ શુક્રવારે રાતે ચિલ્કલગુડાના પદ્મરાવનગર ખાતેના તેના ફ્લૅટમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે ડ્રગનો ઓવરડોઝ લીધો હતો અથવા કોઈ કેમિકલ ઇન્જેક્ટ કરી લીધું હતું. સુસાઇડ-નોટમાં તેણે લખ્યું હતું, ‘મને પુનર્જીવિત કરવા માટે કોઈ પ્રયાસ ન કરવામાં આવે.’
કારકિર્દીને લીધે કુંવારી
રોહિણીની મમ્મી લક્ષ્મીએ જણાવ્યું હતું કે ‘રોહિણી ઇન્ટર્નલ મેડિસિનનો અભ્યાસ કરવા માટે અમેરિકા જવા માગતી હતી એથી તે સતત અમેરિકાના વીઝા માટે પ્રયાસ કરી રહી હતી. રોહિણીએ તેની કારકિર્દીને કારણે લગ્ન પણ કર્યાં નહોતાં. વીઝાના કામને લીધે તે ગુંટુરથી હૈદરાબાદ ગઈ હતી. ત્યાં ઘણી લાઇબ્રેરી છે અને એ પણ તેનું ત્યાં રહેવાનું એક કારણ હતું. રોહિણી કહેતી હતી કે ભારતમાં પ્રતિ ડૉક્ટર દરદીઓની સંખ્યા વધુ છે અને ડૉક્ટરોની કમાણી ઓછી છે, પણ અમેરિકામાં દરદીઓ ઓછા છે અને પગાર સારો મળે છે.’