15 May, 2026 12:06 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કેદારનાથ
ચારધામ યાત્રામાં આ વર્ષે પણ શ્રદ્ધાળુઓની સંખ્યા લગાતાર રેકૉર્ડ બનાવી રહી છે. ૧૯ એપ્રિલથી શરૂ થયેલી યાત્રામાં ૧૩ મે સુધીમાં ૧૨ લાખ ૬૪ હજાર ૨૧૭ શ્રદ્ધાળુઓ ચારધામનાં દર્શન કરી ચૂક્યા છે. જોકે બીજી તરફ યાત્રા દરમ્યાન મૃત્યુના આંકડા પણ સતત વધી રહ્યા છે.
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (SEOC)એ ગઈ કાલે બહાર પાડેલા રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં આ વર્ષે ૪૦ શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં છે. સૌથી વધુ બાવીસ મૃત્યુ કેદારનાથ ધામમાં નોંધાયાં છે જ્યારે બદરીનાથમાં ૭, યમુનોત્રીમાં ૬ અને ગંગોત્રીમાં પાંચ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.
ઉત્તરાખંડના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં થયેલાં મોટા ભાગનાં મૃત્યુમાં હાઈ ઍલ્ટીટ્યુડ સિકનેસ, હાર્ટ-અટૅક અને જૂની બીમારીઓ કારણભૂત છે. યાત્રાનો માર્ગ ઊંચાઈવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે જ્યાં ઑક્સિજનનું સ્તર નીચું રહે છે. એવામાં સતત ચડાણ કરવાથી વૃદ્ધો અને પહેલેથી બીમાર યાત્રાળુઓની તબિયત બગડી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા અનુસાર ચારધામ યાત્રાના માર્ગ પર ૪૭ હૉસ્પિટલો બનાવવામાં આવી છે જેમાં ૪૦૦ ડૉક્ટરો અને ૨૮૨૦ મેડિકલ સહાયકો તહેનાત થયેલા છે.