રામ મંદિરમાં ચડાવો ગણનારા ૪૦ કર્મચારીઓને હટાવી દેવાયા, CCTV કૅમેરાની સંખ્યા વધારી દેવામાં આવી

23 June, 2026 10:14 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

ગણતરી-સ્થળ પર ૩ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી કુલ સંખ્યા હવે વધીને ૪ થઈ ગઈ છે. 

અયોધ્યા રામ મંદિર

અયોધ્યાના રામ મંદિરમાં ચડાવાની રકમમાં ચોરીની ઘટના બાદ દાનની રકમ ગણનારા ૪૦ કર્મચારીઓને દૂર કરીને તેમની જગ્યાએ અન્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. હટાવવામાં આવેલા કર્મચારીઓને અન્ય સ્થળે ડ્યુટીમાં લગાવવામાં આવ્યા છે. ગણતરી-સ્થળ પર ૩ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી કુલ સંખ્યા હવે વધીને ૪ થઈ ગઈ છે. 

બે દિવસમાં FIRની શક્યતા

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ૭ પેન-ડ્રાઇવ પર તપાસનો ડેટા સાચવ્યો છે. ૬ દિવસની તપાસમાં ૧૫૦ શંકાસ્પદોનાં નામ બહાર આવ્યાં છે, જેમાંથી પચીસ સામે કાર્યવાહી થઈ શકે છે. SIT આ કેસમાં જલદી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરે એવી શક્યતા છે. એમાં ચંપત રાયના નજીકના સહયોગીઓ રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને અનુકલ્પ મિશ્રા તથા ટ્રસ્ટના અધિકારીઓનાં નામનો સમાવેશ થાય છે. SIT રિપોર્ટમાં લગભગ ૮૦ લોકોનાં નામ આવી શકે છે. ટિન્નુએ મંદિરમાં દાનની ગણતરીનું નિરીક્ષણ કર્યું હતું. તેના પર ૮ મહિનાના CCTV કૅમેરાનાં ફુટેજ ડિલીટ કરવાનો આરોપ છે. અનુકલ્પ મિશ્રા રામ મંદિરમાં પણ કામ કરે છે. બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે કહ્યું હતું કે ‘SITનો સમય પૂરો થઈ ગયો છે. SIT તપાસ રિપોર્ટ આવતાંની સાથે જ સરકાર કાર્યવાહી કરશે.’

રામ મંદિરની દાનચોરીના કેસમાં હાઈ કોર્ટનો તત્કાળ સુનાવણી કરવાનો ઇનકાર, કહ્યું કે કોઈ જરૂર નથી

ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં આઉટ ઑફ ટર્ન સુનાવણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે આવા મામલામાં જલદી સુનાવણી કરવાની કોઈ જરૂર નથી. વેકેશન બેન્ચના જજ પંકજ ભાટિયા અને અમિતાભ કુમારે જણાવ્યું હતું કે કોર્ટમાં પહેલેથી જ વધારે કેસ છે. કોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે ઉત્તર પ્રદેશ સરકાર આ મામલાની નોંધ લઈ ચૂકી છે અને તેથી તરત સુનાવણીની જરૂર નથી. અરજદાર મોહિત અશોકે માગણી કરી હતી કે રામ મંદિરના ચડાવામાં થયેલી ઉચાપત અને અનિયમિતતાઓની સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને આ મામલાનું કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG) દ્વારા ઑડિટ કરાવવામાં આવે.

રામ મંદિર માટે CEOની નિમણૂક થશે? 

કાશી વિશ્વનાથ મંદિરની જેમ અયોધ્યા રામ મંદિર માટે પણ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ની નિમણૂક કરવામાં આવે એવી શક્યતા છે. સરકાર નાણાકીય પારદર્શિતા અને જવાબદારીને મજબૂત બનાવવા માટે આ પગલું ભરી શકે છે. ટ્રસ્ટનાં વહીવટી અને નાણાકીય કાર્યોની દેખરેખ માટે CEO તરીકે એક વરિષ્ઠ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારીની નિમણૂક થઈ શકે છે. આ નિમણૂક દાન, હિસાબ અને વહીવટી પ્રક્રિયાઓને વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરશે. અંતિમ નિર્ણય લેવામાં આવે એ પહેલાં સરકાર અને ટ્રસ્ટ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.

national news india ayodhya ram mandir religious places